સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
જ્યાં એક બેફામ કાર ચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા પ્રાંતિજના કાટવાડ પાસે બાઇક ઉપર જઇ રહેલ સલાલના દંપતિને અકસ્માત નડ્યો હતો.
પૂર ઝડપે જઈ રહેલ કાર ચાલકે બાઈક સવાર દંપતિને પાછળથી ટક્કર મારી દીધી હતી જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
અકસ્માતમાં ઘાયલ દંપતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક સવાર જીવણભાઈને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલથી અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જોકે, અહીં સારવાર દરમિયાન બાઈક સવાર જીવણભાઈ રાવળનું મૃત્યુ થયું હતું.
જ્યારે તેમના પત્ની ગીતાબેન રાવળ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં જીવણભાઈનું મૃત્યુ થતા તેમના પુત્ર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશને કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેના આધારે હાલ પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.