રાજ્યમાં કોરોનાની ચોથી લહેરની દસ્તક જોવા મળી રહી છે. ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગત રોજ રાજ્યમાં 143 કેસ સામે આવ્યા હતા, જે બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ, વડોદરાની સાથે સુરતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.
ત્યારે સુરત પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે. સુરતનું મનપા તંત્ર સોમવારથી શાળાઓ શરૂ થઈ રહી છે તે પહેલા સજાગ થઈ ગયું છે. આવતીકાલથી સ્કૂલોનું વેકેશન પૂર્ણ થઈ ગયુ છે, અને શાળાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરત પાલિકાએ વાલીઓને સૂચના આપી દીધી છે કે, શરદી, ખાંસી અને તાવ હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા.
સુરત મનપાએ બાળકોને શરદી, ખાંસી, તાવ હોય તો શાળાએ ના મોકલવાની અપીલ કરી છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સોમવારથી શાળાઓ શરૂ થઇ રહી છે. સાથે જ પ્રથમ, બીજો, પ્રિકોશન ડોઝ બાકી હોય તેમને વેક્સીન લેવા અપીલ કરી છે. તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો વાળા બાળકોને તાકીદે ક્વોરોઇન્ટાઇન કરીને હોમ આઇસોલેશનમાં સારવાર આપવા અપીલ કરી છે.
મહત્વનું છે કે, ગત રોજ સુરતમાં કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા હતા, જેમાં શહેરમાં 9 અને જિલ્લામાં 1 કેસ નોંધાયો હતો. સુરતમાં નોંધાયેલા નવા 10 કેસની સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 42 થઈ છે.