ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઈ ગામની સીમમાં એક વીજ પોલ સાથે દોરી બાંધી યુવક-યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
બગદાણા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતા અને ખેત મજૂરી કરતા કરણ બદ્રુભાઈ બારૈયા (ઉ.વ 20) નામના યુવક અને તળાજા તાલુકા ગઢુલા ગામે રહેતી અને ખેત મજૂરી કરતી કિંજલ શાંતિભાઈ બાંભણિયા (ઉ.વ.19) નામની યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
પરંતુ આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થતાં તેઓએ યુવતીનું મજૂરી કામે જવાનું બંધ કરાવી દીધું હતું અને કરણ સાથે પ્રેમ સંબંધો તોડી નાખવા જણાવ્યું હતું.
જેથી એક દિવસ તક મળતા મોડી રાત્રે યુવતીએ ફોન કરીને કરણને મળવા બોલાવ્યો હતો અને ત્યાંથી બંન્ને ભાગીને ભગુડા આવ્યા હતા. ભગુડા ખાતે થોડો સમય વિતાવી બંન્ને ધરાઈ-બગદાણા રોડપર ધરાઈ ગામની સીમમાં ગયા હતી. જ્યાં તેઓએ એક વીજ પોલ સાથે દોરી બાંધી યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ગ્રામજનો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરતા બગદાણા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.