દાંતીવાડા તાલુકા પંચાયતની મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇ ચાર સપ્તાહથી હડતાળ ઉપર ઉતરતા તાલુકામાં મનરેગામાં શ્રમ કરતા શ્રમિકો પણ મનરેગા કર્મીઓના સમર્થનમાં જોડાઈ રોજગારથી સ્વેચ્છિક અળગા રહેવા મંગળવારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદન પત્ર આપી રજૂઆત કરાઇ છે.
દાંતીવાડા મનરેગાના એપીઓ, ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એકાઉન્ટ, એમઆઈએસ અને જીઆરએસ વગેરે તમામ કર્મીઓ આ યોજના ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી મામૂલી નજીવા પગાર દરથી કરાર આધારિત ફરજ બજાવે છે. તેમની વાહરે હવે મનરેગા યોજનામાં રોજગારી મેળવતા શ્રમિકો પણ આવ્યા છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના મજૂરી કરતા શ્રમિકોએ દાંતીવાડા ટી.ડી.ઓ અંકિતા ઓઝાને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.
આ તકે તેઓએ જણાવ્યું હતું કે, કર્મીઓની સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ‘સમાન કામ સમાન વેતન’નો હક આપે તેમજ દર વર્ષે મળવાપાત્ર 15 ટકા પગાર વધારો અને 11 માસના કરાર આધારિત કર્મીઓને ખાલી થતી કાયમી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી મજૂરી કરી રોજગારી મેળવતા તાલુકાના તમમા શ્રમિકો કામથી અળગા રહી વિરોધ નોંધાવશે.
રિપોર્ટઃ દેવ કાલેટ, દાંતીવાડા