રાજકોટ: રાજકોટ કોર્પોરેશન આરોગ્ય શાખા દ્વારા વિવિધ ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 18 આસામીઓને આરોગ્ય વિભાગ દ્વારા ફુડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી હતી.
મળતી માહિતી મુજબ, વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડીથી પુનિતનગર સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 36 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 18 આસામીઓને ફુડ લાયસન્સ અંગે નોટીસ ફટકારવામાં આવી હતી.
જ્યારે 12 કિલો વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અગાઉ આરોગ્ય શાખા દ્વારા શહેરના કેવડાવાડી મેઇન રોડ પર વોલ્ગા ઘી ડેપોમાંથી ભેંસની શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેટની હાજરી મળી આવતાં નમૂનો પરિક્ષણમાં નાપાસ જાહેર થયો છે.
જ્યારે મવડી મેઇન રોડ પર એક દુકાનમાંથી લેવામાં આવેલ ઘીનો નમૂનો લેવાયો હતો. જેમાં પણ વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેટની હાજરી મળી આવી હતી જે નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો.
આજે ચેકીંગ દરમિયાન 150 ફુડ રીંગ રોડ પર પુનિતનગર ચોકમાં જાહેરમાં કચરો ફેંકવા સબબ અને ગંદકી કરવા સબબ 20 આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સબબ અને સંગ્રહ કરવા સબબ 8 આસામીઓ પાસે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.