ગીર સોમનાથ: 26 જાન્યુઆરી 2022ના રોજ ભારત પોતાના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. દેશમાં દર વર્ષે આ દિવસે દેશની રાજધાની દિલ્હી ખાતે રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવે છે.
દેશના અન્ય રાજ્યોમાં પણ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આ વખતે રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે થવાની છે, જેને લઈ અત્યારથી જ તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.
આ માટે હાલ વેરાવળ પાટણ શહેરના મુખ્ય માર્ગ સહિત અન્ય નાના-મોટા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા વેરાવળ પાટણ શહેરના મુખ્ય માર્ગ તથા નાના મોટા તમામ રોડ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પુરજોશમાં હાથ ધરાઈ છે.
26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી વેરાવળ ખાતે થવાની હોવાથી તંત્ર પણ સક્રિય થયું છે. જોકે, આ વખતે કોરોના મહામારી વચ્ચે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. ત્યારે કેટલીક સાવધાની પણ રાખવામાં આવશે.