રાજ્ય સરકારે ઈન સર્વિસ ડૉક્ટરોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. ઈન સર્વિસ ડોક્ટરો માટે હવે પીજી મેડિકલમાં ડિપ્લોમાં અને ડિગ્રીમાં પણ પ્રવેશ માટે 10 ટકા અનામત રહેશે. ઈન સર્વિસ ડૉક્ટરોની રજૂઆતોને પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષ 2022-23થી સરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલો ખાતે પીજી મેડિકલ ડિગ્રી, ડીએનબી અને સીપીએસ કોર્સમાં 10 ટકા બેઠકો અનામત રહેશે અને કેટલીક શરતો-નિયમો સાથે માત્ર 10 વિષયમાં જ પ્રવેશ અપાશે.
રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-તાલુકા અને જિલ્લાની હોસ્પિટલોમાં સ્પેશ્યાલિસ્ટ તબીબોની અછતના કારણે ઈન સર્વિસ તબીબી અધિકારીઓ માટે PG મેડિકલ ડિગ્રી-ડીએનબી કોર્સમાં બેઠકો અનામત રાખવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આખરે સરકારમાં વિચારણા હેઠળની આ બાબતનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે.
ઈન સર્વિસ ડોક્ટરોને પીડિયાટ્રિક, ટી.બી એન્ડ ચેસ્ટ, ઓબસ એન્ડ ગાયનેકોલોજી, પીએસએમ, ઓર્થોપેડિક્સ, જનરલ સર્જરી, મેડિસિન, એનેસ્થેસીયોલોજી, રેડિયોલોજી અને પેથોલોજી સહિતના 10 વિષયમાં પ્રવેશ મળશે. ઈન સર્વિસ તબીબોને પીજી અભ્યાસક્રમ પાસ કર્યા બાદ રાજ્ય સરકાર સંચાલિત સીએચસી, ડિસ્ટ્રીક હોસ્પિટલોમાં પીજી ડિગ્રીની પદવીને ધ્યાને લઈને ઉપલબ્ધ જગ્યા પર નિમણૂંક આપવામાં આવશે.