અમદાવાદઃ લગ્ન બાદ પરિણીતાને સાસરિયાઓ તરફથી ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હોવાના ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે. આપણને અવારનવાર અખબારોમાં આવા કિસ્સા જોવા મળે છે. પરંતુ ક્યાંકને ક્યાંક કેટલાંક સાસરીયાઓ પરિણીતાની કાળી કરતુતોને કારણે પીડાઈ રહ્યા છે. ત્યારે હાલ અમદાવાદમાં અતિશય હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. પત્નીના ત્રાસથી કંટાળીને યુવકે સાબરમતી નદીમાં પડતુ મૂકીને આપઘાત કરી લીધો છે. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ આદરી છે.
આ અંગે વિગતવાર વાત કરીએ તો શહેરના અસારવા વિસ્તારમાં રહેતા કિરીટભાઈ દેવડાના લગ્ન વર્ષ 2016માં સમાજના રીતી રિવાજથી મંજુ રાઠોડ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન મંજુએ એક દીકરીને જન્મ પણ આપ્યો હતો. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મંજુ તેના પિતા અને તેના ભાઈની ચધામણીથી ખૂબ જ મારફાડ બનતી ગઈ હતી તેવું મૃતકના ભાઈએ જણાવ્યું હતું.
મૃતક યુવકના ભાઈના જણાવ્યા અનુસાર, દિન પ્રતિ દિન તે ઘરના સભ્યો સાથે ઝઘડો કરવા લાગી હતી. આ ઉપરાંત પૈસાની માંગણી કરીને વારંવાર દબાણ આપતી હતી. એટલું જ નહીં પરંતુ ક્યારેક તો મંજુ તેના પતિ ઉપર હાથ પણ ઉપાડી દેતી. કોઈ તેને કંઈ કહે તો તે મરી જવાની ધમકી આપીને પરિવારને ફસાવી દેવાની ધમકીઓ આપતી હતી.
ગત 30 જૂનના રોજ મંજુએ ઘરમાં કચરો વાળવાની બાબતે ઝઘડો કર્યો હતો અને કિરીટને સાવરણીથી માર પણ માર્યો હતો. જેથી પરિવારના સભ્યો આવ્યા હતા અને મંજુને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોઈની પણ વાત સાંભળવા માટે તૈયાર હતી નહીં. જેથી કિરીટ પત્નીને પિયર મૂકી આવ્યો હતો. પરંતુ કિરીટ પાછો ફર્યો ન હતો.
સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યું હતું. મોબાઇલ ચાલુ કરાવતા તેમાં વીડિયો હતો. જેમાં કિરીટ દેવડાએ કહ્યું હતું કે, ‘હું મારી જિંદગીથી કંટાળી ગયો છું, એટલે સ્યુસાઇડ કરવા જાઉં છું તેની જવાબદાર મારી પત્ની રહેશે.’ હાલ કિરીટના ભાઇએ ભાભી મંજુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.