બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ પોતાની એક્ટિંગના જોરે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. 28 જુલાઈએ દિલ્હીમાં જન્મેલી હુમા આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. હુમાએ અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તે અત્યાર સુધીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તો આજે અમે અભિનેત્રીના જન્મદિવસ પર તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીશું.
હુમા કુરેશીએ દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાંથી ઈતિહાસમાં બેચલર કર્યું છે. આ સાથે જ તે થિયેટર ગ્રુપ સાથે પણ જોડાયેલી હતી. હુમાના પિતા રેસ્ટોરન્ટના માલિક છે અને તેનો ભાઈ સાકિબ સલીમ એક્ટર છે. જ્યારે હુમાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારે તેણે એક્ટિંગ કરવાનું નક્કી કર્યું અને 2008માં મુંબઈ આવી ગઈ. મુંબઈ આવ્યા પછી હુમાએ ઘણી ફિલ્મો માટે ઓડિશન આપ્યાં, પરંતુ સફળતા મળી નહીં. તેના મિત્રના કહેવા પર હુમાએ ફિલ્મ ‘જંકશન’ માટે ઓડિશન આપ્યું અને તે સિલેક્ટ પણ થઈ ગઈ, પરંતુ ફિલ્મ બની શકી નહીં.
આ પછી હુમા ઘણી જાહેરાતોમાં જોવા મળી. હુમાએ આમિર ખાન અને શાહરૂખ ખાન સાથે પણ જાહેરાતો કરી હતી અને આ બધાની વચ્ચે એક ફોનની જાહેરાતે હુમાનું જીવન બદલી નાખ્યું અને તેને અનુરાગ કશ્યપે સ્પોર્ટ કરી લીધી. આ પછી અનુરાગે હુમાને ફિલ્મમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું અને હુમાને ત્રણ ફિલ્મો માટે સાઈન કરી. હુમાને પહેલી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ મળી. આ ફિલ્મમાં હુમાએ નવાઝુદ્દીન સિદ્દીકીની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. જો કે, ફિલ્મમાં તેનું પાત્ર બહુ મોટું નહોતું, પરંતુ તેના અભિનયથી તેણે દર્શકોના દિલમાં પોતાની છાપ છોડી દીધી અને રાતોરાત સ્ટાર બની ગઈ.
હુમા કુરેશી તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. હુમાએ ‘ડી-ડે’, ‘દેઢ ઇશ્કિયા’, ‘જોલી એલએલબી 2’, ‘કાલા’, ‘એક થી ડાયન’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેની વેબ સિરીઝ ‘મહારાણી’ પણ લોકોને પસંદ આવી હતી, જેની બીજી સીઝન પણ આવી રહી છે. તો જ્યારે હુમાની પર્સનલ લાઈફની વાત કરીએ તો હુમાનું નામ અનુરાગ કશ્યપ સાથે જોડવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે, હુમાના કારણે જ અનુરાગ અને કલ્કીના સંબંધોમાં તિરાડ આવી હતી. આ સિવાય હુમાનું નામ અર્જન બાજવા અને ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ સાથે પણ જોડાયું હતું. જોકે, અભિનેત્રીએ ક્યારેય તેના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.