તુલસીનો છોડ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંન્ને કારણોથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોટાભાગે લોકો તેને ઘરમાં લગાવે છે, પણ ઘણીવાર તુલસીના છોડનો ગ્રોથ સારી રીતે નથી થઈ શકતો અને તે સુકાવા લાગે છે. જો તમે પણ તુલસીનો છોડ લગાવ્યો છે અને તેના ગ્રોથને લઈને પરેશાન છો, તો કેટલીક ખાસ ટિપ્સને ફૉલો કરો.
લીમડાનો પાવડર
તુલસીનો છોડ સુકાઈ જવાના ઘણા કારણો હોઈ શકે છે. તુલસીના છોડને વધુ પાણી આપવાની કે જાળવણીની જરૂર નથી પડતી, તે ઓછા પાણીમાં, ઓછા સૂર્યપ્રકાશમાં અને ઓછી હવામાં પણ ઉગે છે, પરંતુ જો છોડ સુકાઈ જવા લાગ્યો હોય અને તેનું કારણ તમને સમજાતું ન હોય તો લીમડાના પાનનો પાવડર વાપરો.
તે તુલસીના છોડને હર્યોભર્યો રાખવા માટે અચૂક ઉપાય છે. આ માટે લીમડાના પાનને સૂકવીને તુલસીના છોડમાં માત્ર બે ચમચી પાવડર નાખો. તમે જોશો કે થોડા દિવસોમાં છોડમાં નવા પાંદડા આવવા લાગશે અને છોડ સુકાઈ જવાથી બચી જશે. તુલસીના છોડની જમીનમાં લીમડાના પાનનો પાવડર સારી રીતે મિક્સ કરો.
છોડને ભેજથી નુકસાન થાય છે
તુલસીના છોડ માટે વધારે ભેજ સારો નથી હોતો. છોડમાં વધુ પડતું પાણી જમા થવાને કારણે તેના પાંદડા ખરવા લાગે છે અને છોડ સુકાઈ જવા લાગે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, તુલસીના છોડથી 15 સે.મી.ના અંતરે 20 સે.મી.ની ઊંડાઈ સુધી માટી ખોદી કાઢો. જ્યારે મૂળમાં ભેજ દેખાય, ત્યારે તેને સૂકી માટી અને રેતીથી ભરો. આનાથી છોડના મૂળમાં હવા મળશે અને છોડ શ્વાસ લઈ શકશે.
ફંગલ ઈન્ફેક્શન
તુલસીના છોડમાં ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. આ માટે લીમડાની લીંબુડીના પાવડરનો ઉપયોગ કરો. તેને લીમડાના બીજનો પાવડર પણ કહેવામાં આવે છે. આ પાવડરને જમીનમાં મિક્સ કરો. તેનાથી ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા દૂર થશે.
જો પાઉડર ન હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળો. તેને ઠંડુ થવા દો અને પછી તેને બોટલમાં ભરી લો. દર 15 દિવસે છોડની માટી ખોદીને તેમાં બે ચમચી લીમડાનું પાણી ઉમેરો. તેનાથી ફંગલ ઇન્ફેક્શન દૂર થશે.
ધુમાડા અને તેલથી દૂર રાખો
તુલસીના છોડને ધુમાડા અને તેલથી દૂર રાખો અને દરરોજ તેના પાન ન તોડો. જો તમે પૂજા કરતી વખતે છોડની પાસે દીવો અને અગરબત્તી રાખો છો, તો તે છોડને બગાડી શકે છે. તેને છોડથી અમુક અંતરે રાખો.