તા-01-08-2022 પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓને સત્વરે સારવાર પુરી પાડીને રસીકરણ પણ કરવામાં આવે છે.એટલું જ નહી,રોગિષ્ઠ પશુઓને આઈસોલેશનમાં રાખવા સાથે સંપૂર્ણ તકેદારી સાથે યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવા માં આવે છે જેથી કરીને અન્ય પશુઓમાં રોગ પ્રસરે નહી.પશુપાલકો એ સહેજપણ ગભરાયા સિવાય માત્ર સતર્ક રહી તકેદારી રાખવા અનુરોધ છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મુખ્ય સચિવ દ્રારા સતત મોનીટરીંગ કરીને રોજબરોજ સમીક્ષા પણ કરવામાં આવે છે. રાજયમાં રસીનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અસર ગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર પુરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબો સહિતની ટીમો તમામ જિલ્લાઓ માં ખડેપઞે કાર્યરત છે. જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસર ગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂંક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે
મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજયના કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. આ ૨૦ જિલ્લાઓના અસરગ્રસ્ત ૧૯૩૫ ગામોમાં ૫૪,૧૬૧ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ ૫૪,૧૬૧ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજ્યમાં કુલ ૧૪૩૧ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યુ નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૮.૧૭ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ ૭.૯૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.
તેમણે ઉમેર્યું કે, આ ૨૦ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૭૧૩ પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના ૩૩૨ આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત ૧૦૭ સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી કરી રહેલ છે ઉપરાંત વધુ સભ્યો કામધેનું યુનિવર્સીટી દ્વારા કચ્છ જીલ્લા ખાતે -૧૭૫, જામનગર ખાતે ૭૫ અને દેવભૂમિ-દ્વારકા ખાતે ૫૦ મોકલી આપીને હજુ વધુ પુરજોશમાં રસીકરણની કામગીરી કરવા તૈનાત કરવા આજરોજ નક્કી કરવામાં આવ્યું છે.
મંત્રીએ ઉમેર્યું કે, આ રોગના નિયંત્રણ અને મોનીટરિંગ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમન સહિતની રચાયેલ સમિતિ દ્વારા કરવામાં આવેલ કામગીરીના અનુસંધાને સચિવ –પશુપાલન દ્વારા જિલ્લા કલેકટર – કચ્છ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, રાજકોટ અને બનાસકાંઠા સાથે સમીક્ષા કરીને જીલ્લાની પરીસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યુ કે, રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા માટે રાજય મંત્રી દ્વારા જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામે સ્થળ મુલાકાત લઇ રોગના ઝડપી નિયંત્રણ માટે સ્થાનિક તંત્રને જરૂરી સુચનાઓ આપી છે. કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દ્વારા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની કામગીરીનાં સ્થળ નિરિક્ષણ માટે દેવભૂમિ-દ્વારકા જીલ્લાની રામનાથ ગૌશાળા-ખંભાળીયા, મંગલમ અન્નક્ષેત્ર અને ગૌશાળા- દ્વારકા, સુરભી માધવ ગૌ શાળા – દ્વારકા અને દ્વારકા ગૌશાળા સમિતિ સાથે મુલાકાત કરીને સ્થાનિક તંત્રને રોગના ઝડપી નિયંત્રણ માટે જરૂરી સુચનો કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણમાં ગાય ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળ્યો છે. આ સંદર્ભે સુરત સિવાયના બાકીના ૧૪ જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ રોગના નિયંત્રણ અને નિયમિત સમીક્ષા હેતુ જીલ્લા કલેકટરના અધ્યક્ષપણા હેઠળની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે.
પશુપાલન મંત્રીએ ઉમેર્યુ કે, પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશય થી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC) ખાતે રાજ્ય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કન્ટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશ્નર નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવશે.
પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરૂ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ પર છેલ્લા આઠ દિવસમાં ૨૧,૦૨૬ એટલે કે દરરોજ સરેરાશ ૨૧૦૦થી વધુ કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું છે.