વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર બાઈકસવાર પિતા-પુત્રને ટ્રકે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે. અકસ્માતમાં પિતા-પુત્રના એકસાથે મૃત્યુ થતાં ગામમાં ગમગીની ફેલાઈ ગઈ છે. પરિવારજનોના હૈયાફાટ રુદને ગામમાં સન્નાટો પાથરી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના રાયકા ગામમાં રહેતા નરેન્દ્રભાઇ રમણભાઇ સિંધા (ઉં.35) અને તેમના પુત્ર અરુણ (ઉં.16) સાથે બાઇક પર રાયકાથી વાસદ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર પર પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા.
ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. અકસ્માત બાદ ટ્રક ઘટનાસ્થળે મૂકીને ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. તો મોટી સંખ્યામાં સ્થાનિકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી.
જે બાદ નંદેશરી પોલીસના પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ બનાવની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
હાલ પોલીસે નંદેશરી પોલીસે મૃતક નરેન્દ્રભાઇના પિતા રમણભાઈની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પિતા-પુત્રના એકસાથે મૃત્યુ થતાં ગામમાં ગમગીની ફેલાઈ ગઈ છે.