જગ વિખ્યાત સાળંગપુરધામમાં આવેલ કષ્ટભંજનદેવ હનુમાન મંદિર ખાતે ગુજરાતનું સૌથી મોટા અને હાઈટેક ભોજનાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગુજરાતના જ નહીં પણ ભારત સહિત વિશ્વભરમાં વસતા હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં હનુમાનજી સાક્ષાત હોવાનું મનાય છે જેથી લોકો શ્રદ્ધાપૂર્વક રોજ દર્શને આવતા હોય છે.
ત્યારે હવે અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ ગ્રહણ કરવામાં લાંબા સમય સુધી લાઈનમાં ના ઉભુ રહેવુ પડે તે માટે મંદિર દ્વારા એક ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
હાલ શ્રી કષ્ટભંજનદેવ નૂતન ભોજનાલયનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ભોજનાલયમાં એક સાથે ચાર હજાર શ્રદ્ધાળુઓ ડાઈનિંગ ટેબલ પર ભોજન ગ્રહણ કરી શકશે. સાત વિઘા જમીનમાં આ ભોજનાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે.
આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગેસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવા આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે દિવાળી પહેલા આ ભોજનાલય તૈયાર થઈ જશે.