ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રોડ મુદ્દે જાહેરહિતની અરજી પર આપેલા આદેશનું પાલન ન થતા કન્ટેમ્પ્ટની અરજી ઉપર સુનાવણી દરમિયાન અમદાવાદ મનપાની ઝાટકણી કાઢી હતી.
હાઈકોર્ટે રખડતા ઢોર, દબાણ અને બિસ્માર રોડના મુદ્દે મનપાને ખખડાવી હતી અને પૂછ્યું હતું કે, શું તમને થોડુંક પણ એવું નથી થતું કે, આપણે કેવા રોડ રાખીએ છીએ? હાઈકોર્ટે મનપાને કહ્યું હતું કે, ચાલો આપણે સાથે રોડની સ્થિતિ જોવા જઈએ. હાઇકોર્ટે આકરા શબ્દોમાં ફટકાર લગાવ્યા બાદ આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ કોર્ટમાં ચોંકાવનારો જવાબ રજૂ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટના વારંવારના ઠપકા અને લપડાક સાંભળી ચૂકેલા અમદાવાદ મનપાના અધિકારીઓએ હવે કોર્ટમાં નાદારી નોંધાવી છે. કોર્પોરેશને હાઇકોર્ટ સમક્ષ હાથ ખંખેરી નાંખતા જણાવ્યું કે, ‘તૂટેલા રોડનું સમારકામ કરવા માટે મનપા પાસે પૈસા જ નથી.’ મનપાએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે, ‘કોવિડ-19ની સ્થિતિ બાદ મનપા પાસે બજેટ જ નથી.’ બિસ્માર રોડ રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન કોર્ટે મનપાની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ‘તંત્ર કામને કાગળ પર નહીં પરંતુ રસ્તા પર દેખાડો. કામગીરી એફિડેવિટમાં નજરે પડે છે પરંતુ રસ્તા પર નહીં. રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે અને તૂટેલા રોડથી પ્રજા પીડાય છે.’ મહત્વનું છે કે, કોર્ટમાં આ અંગેની સુનાવણી દરમિયાન અમદાવાદ મનપાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી અને ટ્રાફિક પોલીસ પણ હાજર રહ્યા હતા.