અમરેલીઃ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બરાબર ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધળબળાટી બોલાવી છે. અમરેલી, સાવરકુંડલા, ધારી અને બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી તે સાચી પડી છે. ધારી, બગસરા, સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં નદીના પાણી ઘૂસી આવ્યા હતા. સાવરકુંડલા તાલુકાના છાપરી, લિખાલા, વિજપડીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
સ્થાનિક નદીમાં ધોધમાર પૂર આવ્યું
આંબરડી ગામની ઉપરવાસમાં આવેલા અભરામપરા, કૃષ્ણગઢ અને જંગલ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતા આંબરડી ગામની બજારોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સતત 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને નવું જીવનદાન અને મોટી રાહત મળી હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે.
બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જાણકા, સિલાણા, જેઠિયાવદર, સમઢીયાળા, મુજીયાસર, સાપર અને સુડાવડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડીયાના મેધાપીપરિયામાં પણ સ્થાનિક નદીમાં ધોધમાર પૂર આવ્યું હતું.
ત્રિવેણી ડેમમાં મસમોટું ગાબડું પડ્યું
અમરેલી-સાવરકુંડલાના બાઢડા નજીક ત્રિવેણી ડેમમાં ગાબડું પડ્યું છે. ધોધમાર વરસાદના કારણે સુરજવડી નદી પર આવેલ ત્રિવેણી ડેમમાં મસમોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડતા ડેમનું તમામ પાણી વહી દરિયા તરફ વહીં રહ્યું છે. ડેમમાં પડેલા ગાબડાને કારણે આસપાસના પાંચથી વધુ ગામોમાં ખેતી અને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.