ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ શરુ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો ભોળાનાથની વિવિધ રીતે પૂજા કરે છે. ભક્તો શિવ મંદિરોમાં જઈને ભગવાનને પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે, જેથી ભગવાન ખુશ થાય અને ભક્તો પર પોતાના આશાર્વાદ સદાય રાખે. ભગવાન શિવની આવી જ એક પ્રિય વસ્તુ છે બીલીપત્ર. કહેવાય છે કે બીલીપત્ર વિના શિવની પૂજા અધૂરી છે. જેનો અનેક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. શિવ મહાપુરાણમાં પણ તેનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.
બીલીપત્રમાં હોય છે ઝેર દૂર કરવાના ગુણ
એક પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન શિવે સમુદ્ર મંથન દરમિયાન ઝેર પીધું ત્યારે તેમના ગળામાં બળતરા થઈ રહી હતી. બીલીપત્રમાં ઝેર કાપવાના ગુણ હોય છે, આ કારણથી ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવામાં આવ્યા હતા, જેનાથી ઝેરની અસર ઓછી થઈ શકે. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાની પરંપરા શરૂ થઈ.
અન્ય એક દંતકથા અનુસાર, બીલીપત્રના ત્રણ પાંદડા ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતીક છે, એટલે કે તે શિવજીનું જ સ્વરૂપ છે, તેથી બીલીપત્રને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.
બીલીપત્રથી થાય છે શરીરને ઘણા ફાયદાઓ
શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં હજારો બીલીપત્ર ભગવાનને ચઢાવવામાં આવે છે અને બીજા દિવસે તેને વિસર્જિત કરી દેવામાં આવે છે, પરંતુ જો તેને આ રીતે વિસર્જિત કરવાને બદલે તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે. આ પાંદડામાં એવા અનેક ગુણ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.
બીલીપત્રમાં હોય છે પેન્ટાઇન અને માર્મેલોશિન
આયુર્વેદમાં પણ બીલીપત્રના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે કે બીલીપત્રનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બીલીપત્રથી શુગર કંટ્રોલમાં રહે છે, સાથે જ પેટને લગતી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.
- વૈજ્ઞાનિકોના મતે બીલીપત્રમાં પેન્ટાઇન અને માર્મેલોશિન નામનું તત્વ હોય છે, જે શરીરમાં શુગરના સ્તરને સામાન્ય રાખે છે.
- બીલીપત્ર પરસેવાની દુર્ગંધને પણ દૂર કરે છે.
- બીલીપત્રનો રસ પીવાથી પેટ સંબંધિત ઘણી બીમારીઓથી છુટકારો મળે છે.
- બીલીપત્રમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે, જે આપણા શરીરના અનેક કાર્યોને સુચારૂ રીતે ચલાવવા માટે જરૂરી છે.
- બીલીપત્ર અને તેનું ફળ બંને શરીરને ઠંડક આપે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો.