રશિયા અને યુક્રેનમાં યુદ્ધની તૈયારીઓ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા પુતિન અને તેમની ગર્લફ્રેન્ડ પર વ્યક્તિગત પ્રતિબંધોની ચેતવણી વચ્ચે પેરિસથી સારા સમાચાર સામે આવ્યા છે. ફ્રાંસની રાજધાની પેરિસમાં આયોજિત મોસ્કો અને કિવના રાજદૂતો વચ્ચેની મંત્રણામાં બંને દેશો યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ દેખાયા હતા. જોકે આનાથી અમેરિકા અને તેના સહયોગી દેશ NATO અને રશિયા વચ્ચેનો તણાવ કેટલો ઓછો થશે તે કહેવું મુશ્કેલ છે.
પેરિસ મંત્રણા બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રશિયા અને યુક્રેન બિનશરતી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બે અઠવાડિયા પછી જર્મનીના બર્લિનમાં આ જ મુદ્દા પર વધુ એક બેઠક થશે. ફ્રાન્સે યુદ્ધવિરામના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના એક સહાયકે કહ્યું કે,વધતા તણાવ વચ્ચે સકારાત્મક સમાચાર મળ્યા છે. બેઠક બાદ ફ્રેન્ચ રાજદૂતે કહ્યું કે, 8 કલાક સુધી ચાલેલી વાતચીતના સારા સંકેતો મળી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેની આ વાતચીતમાં ફ્રાન્સ અને જર્મનીએ મધ્યસ્થી કરી હતી.
બિડેનની ધમકીથી રશિયા નરમ પડ્યું?
અમેરિકાએ યુક્રેનને જેવલિન મિસાઈલ મોકલી છે. રાષ્ટ્રપતિ બિડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને તેમની ગર્લફ્રેન્ડ પર વ્યક્તિગત પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે રશિયા થોડું નરમ પડ્યું છે.
પરિણામો બે અઠવાડિયામાં દેખાશે
મંત્રણામાં સામેલ રશિયન રાજદૂત દિમિત્રી કોઝાકે કહ્યું કે, ઘણા મુદ્દાઓ પર મતભેદ હોવા છતાં અમે પૂર્વી યુક્રેનમાં યુદ્ધવિરામ પર સહમત થયા છીએ. બે અઠવાડિયા પછી, બર્લિન બેઠકમાં પેરિસની જેમ બંને દેશોના રાજદૂતો ફરીથી વાત કરશે. કોઝાકે કહ્યું- અમને આશા છે કે યુક્રેન અમારો મુદ્દો સમજી ગયો છે. આગામી બે સપ્તાહમાં પરિણામ જોવા મળશે.
જર્મન સરકારના એક સ્ત્રોતે પુષ્ટિ કરી છે કે આગામી તબક્કાની વાતચીત બર્લિનમાં થશે. આ વાટાઘાટો સંભવતઃ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થશે. સારી વાત એ છે કે 2019 પછી પહેલીવાર રશિયા અને યુક્રેન દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જો કે હવે જોવાનું એ રહેશે કે શું બંને દેશો યુદ્ધવિરામ પર અડગ રહે છે કે નહીં?