Haryana Rajya Sabha Election Result: દેશના 4 રાજ્યોની 16 રાજ્યસભા સીટો પર શુક્રવારે મતદાન થયું હતું. રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર બાદ હવે હરિયાણાના પણ પરિણામ આવી ગયા છે. મોડી રાત્રે આવેલા પરિણામોમાં હરિયાણાની બેમાંથી એક સીટ પર બીજેપી અને બીજી સીટ પર અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માનો વિજય થયો છે.
મળતી માહિતી મુજબ, હરિયાણામાં ભાજપના કૃષ્ણલાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા રાજ્યસભા માટે ચૂંટાયા છે. હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાના જણાવ્યા અનુસાર, અજય માકન બહુ ઓછા માર્જિનથી હારી ગયા છે.
હરિયાણાની 2 રાજ્યસભા બેઠકો માટે ખૂબ જ રસપ્રદ મુકાબલો હતો. અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ કોંગ્રેસના ઉમેદવાર અજય માકનને હરાવ્યા. માકનને 30 મત મળ્યા હતા. એક મત રદ થયો હતો. એટલા માટે માત્ર 29 મતોની ગણતરી થઈ હતી.
જોકે, મતોની પ્રથમ ગણતરીમાં કોંગ્રેસે મિસ કોમ્યુનિકેશન હોવાના કારણે તેમના ઉમેદવાર અજય માકનનો વિજય જાહેર કર્યો હતો. હરિયાણા કોંગ્રેસે જીત પર ટ્વીટ કર્યું. પરંતુ જ્યારે ચૂંટણી પંચે ઉમેદવાર અને એજન્ટને કહ્યું કે આંકડા પ્રમાણે કાર્તિકેય શર્મા જીત્યા છે, તો તેઓએ પુન: ગણતરીની માંગ કરી. જે બાદ રિકાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું.
મોડી રાત્રે ભાજપ-જેજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માની જીત જાહેર કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર કૃષ્ણલાલ પંવારે પણ જીત નોંધાવી હતી. પંવારને 31 મત મળ્યા હતા. આ પછી સીએમ મનોહર લાલે બંને રાજ્યસભાના સાંસદોને જીત માટે અભિનંદન પાઠવ્યા.
Haryana CM Manohar Lal Khattar congratulates BJP candidate Krishan Lal Panwar and BJP-JJP backed independent candidate Kartikeya Sharma for their win in the #RajyaSabhaElection2022 pic.twitter.com/qxAcOt4b2d
Advertisement— ANI (@ANI) June 10, 2022
આ છે જીતની ફોર્મ્યુલા
જીતની ફોર્મ્યુલા જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, કુલ 90માંથી 89 મતો પડ્યા. એક મત રદ થયો હતો. હવે 88 મતો બાકી રહ્યા. એક મત 100 બરાબર છે. 8800/3=2934 ઉમેદવારને જીતવા માટે આ જરૂરી હતા. કૃષ્ણલાલ પંવારના બાકીના 66 મત કાર્તિકેય શર્માને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કાર્તિકેય શર્માને 66+2900=2966 મતો મળ્યા અને બીજી તરફ કોંગ્રેસને 2900 મતો મળ્યા. આના આધારે કાર્તિકેય શર્મા જીત્યા.
કોણ છે કાર્તિકેય શર્મા (Kartikeya Sharma)?
કાર્તિકેય શર્મા ITV નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર છે. તે એક ભારતીય મીડિયા કંપની છે જે ઈન્ડિયા ન્યૂઝ, ન્યૂઝએક્સ, ધ સન્ડે ગાર્ડિયન અને આજ સમાજ સહિત અનેક પ્રાદેશિક ચેનલો અને અખબારોનું સંચાલન કરે છે. કાર્તિકેય શર્મા બિઝનેસ મેનેજમેન્ટમાં ઓનર્સ અને માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને કિંગ્સ કોલેજ લંડનમાં અભ્યાસ કર્યો છે.
14 મે, 1981ના રોજ જન્મેલા કાર્તિકેય શર્મા હરિયાણાના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર છે. કાર્તિકેય શર્મા દેશ-વિદેશના તમામ સમાચારો પર ચાંપતી નજર રાખે છે. તેઓ કટારલેખક પણ છે અને તેમના વિચારો દ્વારા તેઓ યુવાનોને પ્રેરણા પણ આપે છે.
કાર્તિકેય શર્મા હરિયાણા તેમજ દેશના કોઈપણ રાજ્ય માટે નવો ચહેરો નથી. એટલા માટે કે તેઓ સામાજિક કાર્યો માટે ખૂબ પ્રખ્યાત છે. તાજેતરમાં તેમણે રોટરી ઈન્ટરનેશનલ સાથે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત એક લાખ ગરીબ, શહીદ પરિવારના બાળકો સહિત અન્ય વર્ગના બાળકોને વિનામૂલ્યે ટેબલેટ આપવામાં આવશે. આ સાથે તેમને પ્રથમ વર્ગમાં મફત શિક્ષણ આપવામાં આવશે.
ITV નેટવર્કના સ્થાપક કાર્તિકેય શર્માએ મંગળવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું. આ દરમિયાન હરિયાણાના ઉર્જા મંત્રી રણજીત ચૌટાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પછી રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની હતી.