વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલે પણ આજે કોંગ્રેસ પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. ત્યારે હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં આપવા પર આપ, ભાજપ સહિત કોંગ્રેસના નેતાઓ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હાર્દિક પટેલના રાજીનામાં પર ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, ‘હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા એવી વાત મીડિયાના માધ્યમથી અમને જાણવા મળી હતી અને હાર્દિક પટેલ પણ જાહેરમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજગીની વાતો લોકોની સામે મૂકતા હતા. લોકશાહીમાં દરેક લોકોએ પોતાનો નિર્ણય જાતે લેવો જોઈએ અને એ પ્રમાણે હાર્દિક પટેલે પોતાનું ક્યાં હિત છે તે સમજી વિચારીને નિર્ણય લીધો હશે એવું હું માનું છું. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિક પટેલને આપ્યું છતાં પણ નારાજગી વ્યક્ત કરે તે આશ્ચર્યની વાત છે. હાર્દિકે ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે, ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના પાઠવું છું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું.’
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
નોંધનીય છે કે, હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.