Lohri 2022: મકરસંક્રાંતિ પહેલા લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે. લોહરી એ પંજાબીઓનો મુખ્ય તહેવાર છે, તેથી તે પંજાબ અને હરિયાણામાં સૌથી વધુ લોકપ્રિય છે. લોહરીના દિવસે તલ, ગોળ, ગજક, રેવડી અને મગફળી અગ્નિમાં હોમવામાં આવે છે. લોહરીનો તહેવાર 13 જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે.
કેમ ઉજવવામાં આવે છે લોહરીનો તહેવાર?
પરંપરાગત રીતે લોહરી એ પાકની વાવણી અને લણણી સાથે સંકળાયેલ ખાસ તહેવાર છે. આ પ્રસંગે પંજાબમાં નવા પાકની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ચાર રસ્તા પર લોહરી પ્રગટાવવામાં આવે છે. આ દિવસે પુરુષો અગ્નિની નજીક ભાંગરા કરે છે, જ્યારે મહિલાઓ ગિડ્ડા કરે છે. આ દિવસે બધા સંબંધીઓ એક સાથે ડાન્સ કરે છે અને લોહરીને ખૂબ ધૂમ-ધામથી ઉજવે છે. આ દિવસે તલ, ગોળ, ગજક, રેવડી અને મગફળીનું પણ વિશેષ મહત્વ હોય છે. લોહરીને ઘણી જગ્યાએ તિલોદી પણ કહેવામાં આવે છે.
લોહરી પર સાંભળવામાં આવે છે દુલ્લા ભટ્ટીની કથા
લોહરીના દિવસે એક અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને તેની આસપાસ નૃત્ય કરે છે. આ સાથે, આ દિવસે અગ્નિની નજીક એક ઘેરો બનાવીને દુલ્લા ભટ્ટીની કથા સાંભળવામાં આવે છે. લોહરી પર દુલ્લા ભટ્ટીની કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, મોગલ યુગમાં અકબરના સમયમાં દુલ્લા ભટ્ટી નામનો વ્યક્તિ પંજાબમાં રહેતો હતો. તે સમયે કેટલાક શ્રીમંત વેપારીઓ સામાનના બદલે શહેરની છોકરીઓને વેચતા હતા, ત્યારે દુલ્લા ભટ્ટીએ તે છોકરીઓને બચાવી હતી અને તેમના લગ્ન કરાવી દીધા હતા. ત્યારથી, દર વર્ષે લોહરીની સ્મૃતિમાં દુલ્લા ભટ્ટીની કથા કહેવાની પરંપરા છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.