કચ્છ: ઉત્તર ભારતના પહાડી વિસ્તારથી આવવાવાળી ઠંડી હવાને લઈ દેશના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડીનું જોર યથાવત છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.
જેને લઈ ગુજરાતમાં પણ કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. મળતી માહિતી મુજબ, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ઠંડનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા શહેરમાં જોવા મળી રહી છે.
ત્યારે ઠંડીના કહેર વચ્ચે હવે કચ્છમાં વરસાદની આગાહી વ્યક્તક રાઈ છે. 21 અને 22 જાન્યુઆરીએ કચ્છના વિવિધ પંથકોમાં કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં જાણે બર્ફીલો માહોલ સર્જાયો હોય તેવી કડકડતી ઠંડી પડી રહી હતી. જેના કારણે આ વર્ષે લોકોને શિયાળાની ખરેખર અનુભૂતિ થઈ હતી. જે ઠંડીના કારણે રાજ્ય વાસીઓ ઠુઠવાયા હતા. ત્યારે હવે આ ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. કેમ કે ઠંડીના પારામાં વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું છે.
ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 21 અને 22 જાન્યુઆરીએ કચ્છ તરફ વરસાદી માહોલ રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સર્જાવાના લીધે કચ્છમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કમોસમી માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.