ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓએ હાલ પુરતુ પોતાનું આંદોલન સ્થગિત રાખ્યું છે. અગાઉ એસટી નિગમ ત્રણ સંગઠનો એટલેકે ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ કર્મચારી મંડળ, એસટી કર્મચારી મહામંડળ, એસટી મજદૂર મહાસંઘે સાથે મળીને પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનની જાહેરાત કરી હતી.
કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી હતી. જોકે સરકારે એસટી કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેતા એસટી કર્મચારીઓનું આંદોલન સ્થગિત કરવામાં આવ્યુ છે. સંકલન સમિતિની નિગમના સત્તાધીશો સાથે બેઠકમાં મુખ્યત્વે ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેનું નિરાકરણ આવ્યું છે.
ફિક્સ પગાર સિવાયના ડ્રાઈવરોને 1800ની જગ્યાએ 1900, જ્યારે કંડકટરોને 1650ના સ્થાને 1800નો ગ્રેડ પે આપવાની માંગને સ્વીકારી લેવામાં આવી છે અને તે અંગેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત કર્મચારીઓને અકસ્માત, ટિકિટ ચોરી, બેદરકારી, મારામારી વગેરે પ્રકારના કિસ્સાઓમાં સખત કાર્યવાહીની બાબતમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. DA એલાઉન્સ, રજાનું રોકડમાં રૂપાંતર વર્ષ 2021નું બોનસ અંગે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. ઉપરાંત 600 જેટલા કર્મચારીઓ કે જેવો ડ્રાઇવર અને કંડકટર એમ બંને તરીકે ફરજ બજાવે છે, તેમની કોઈ એક જવાબદારી નક્કી કરવા સંદર્ભે સરકારની મંજૂરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.