કોરોનાની ત્રીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એક જ દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ડામવા આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
બેઠક બાદ ટાસ્ક ફોર્સના સભ્યએ જણાવ્યું કે, લોકો કોરોના વાયરસને સામાન્ય ફ્લૂ ના સમજે. ઓમિક્રોન ખૂબ ઝડપી ફેલાય છે. ત્યારે જે સંક્રમિતો કેસો આવી રહ્યાં છે, તેમાંથી મોટા ભાગના કેસો ઓમિક્રોનના નોંધાયા છે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી.
ટાસ્ક ફોર્સના સભ્યએ ઉમેર્યું કે, સંક્રમણને રોકવા માટે વેક્સિન એક માત્ર હથિયાર છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન હાઈબ્રિડ ઈમ્યુનિટીને પણ ગાંઠતો નથી. નાનામાં નાની બેદરકારી ભારે પડી શકે છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. આ વાયરસને હળવાશથી લઈ શકાય નહીં. લો અને હાઈ ડીસીઝ એમ બે કેટેગરીમાં દર્દીઓને વહેંચવામાં આવશે. લો રિસ્કના દર્દીઓ 4થી 5 દિવસમાં સ્વસ્થ થઈ જાય છે.
ટાસ્ક ફોર્સના સભ્યએ જણાવ્યું કે, ઓમિક્રોન ડેલ્ટાની સરખામણીએ ઓછો ખતરનાક છે, પણ તેનાથી સાવચેતી રાખવી જરૂરી છે.કેસોની સંખ્યા બહુજ વધારે હશે ત્યારે હોસ્પિટલોમાં ભારણ વધશે. લંગ્સને નુકસાન અને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓને સ્ટીરોઈઇડ આપવાની જરૂર પડે છે. એજીથ્રોમાયસિન દવા સરળ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના વધુ ફેલાય નહીં તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. બિન જરૂરી બહાર ના જાઓ, મેળાવડા ટાળો, લક્ષણો હોય તો ઘરે જ આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. પ્રસંગો તો આવ્યા કરશે પણ તેમાં ભીડ ના કરવી જોઈએ.