ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં વાવાઝોડા, દુકાળ અને પૂરની ઘટનામાં 4 ગણો વધારો થયો છે. આની પાછળ રાજ્યમાં વધતી જતી આકરી ગરમી, કુદરતી આપત્તિ માટે જંગલોના વિનાશ, જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે.
છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. જેના કારણે પશ્ચિમી કિનારે વાવાઝોડાંની ઘટનામાં વધારો થયો છે અને 2018 પછી દર વર્ષે વાવાઝોડું આવી રહ્યું છે.
તાજેતરમાં રાજ્યમાં તાઉ-તે ચક્રવાતના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તેની સાથે જ રાજ્યમાં ક્યારેક દુષ્કાળ તો ક્યારેક પૂરની સ્થિતિ સર્જાય છે. આ તમામ ઘટના પાછળ વાતાવરણમાં થતા માઈક્રોક્લેમેટિક ફેરફારોની સાથે જંગલોનો વિનાશ તેમજ જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે.
કાઉન્સિલ ઓફ એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટરે જાહેર કરાયેલા વિશ્લેષણ મુજબ રાજ્યમાં છેલ્લા 50 વર્ષમાં ચક્રવાતની ઘટનામાં 3 ગણો વધારો થવાની સાથે દુષ્કાળની ઘટનામાં 9 ગણો, જ્યારે પૂરની ઘટનામાં 4 ગણો વધારો નોંધાયો છે.
CEEWએ બહાર પાડેલી માહિતી મુજબ છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. જેના કારણે પશ્ચિમી કિનારે વાવાઝોડાની ઘટનામાં વધારો થયો છે અને 2018 પછી દર વર્ષે વાવાઝોડું આવી રહ્યું છે. અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ તીવ્ર વાવાઝોડાની અસર હેઠળ આવે છે.