ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટના આદેશના તિરસ્કારની સુનાવણી મામલે રાજ્યના ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી અને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસના અધિકારી હાજર રહ્યા હતા.
આ દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી પકંજ કુમારને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી. તેમજ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની વડપણવાળી ખંડપીઠે રાજ્યના ચીફ સેક્રેટરીને કોર્ટના અદેશોનું પાલન ન થવા મામલે ટકોર પણ કરી છે.
વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજર રહેલા ચીફ સેક્રેટરીને ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટના હુકમની તમામ અરજીઓ અંગે ચીફ સેક્રેટરી તાગ મેળવી તેનો નિકાલ કરવામાં આવે. સાથે કોર્ટે એ પણ કહ્યું કે, ‘કોર્ટના હુકમનું પાલન ન થાય તે ચલાવી લેવામાં નહીં આવે’. ચીફ જસ્ટિસે ચીફ સેક્રેટરી પંકજ કુમારને કહ્યું કે, એવા કેટલાક કિસ્સાઓ છે કે જેમાં હજુ કોર્ટના નિર્દેશોનું પાલન નથી થયું.
વર્ષ 2011ની કેટલીક કન્ટેમ્પ્ટ મેટરો પેન્ડિંગ છે, જેનો નિકાલ થવો જરૂરી છે. આ મામલે સરકારી વકીલ અને અધિક સરકારી વકીલ સાથે ચર્ચા કરી તેનો નિકાલ થાય તે માટે પ્રયાસ કરવા પણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ટકોર કરી છે.