ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહનું જુલાઈ મહિનામાં લેવામાં આવેલી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-2022માં લેવાયેલી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ 1-2 વિષયોમાં નાપાસ થયા હતા એ વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળીને 50000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું.
પૂરક પરીક્ષાનું પરિણામ શું આવ્યું –
પૂરક પરીક્ષાના પરિણામમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41167 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 37457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23494 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 62.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. આમાં છોકરીઓનું પરિણામ 68.93 ટકા અને છોકરાઓનું પરિણામ 58.86 ટકા આવ્યું છે.
મે મહિનામાં આવ્યા હતા ધોરણ 10 અને 12ના પરિણામ
ગયા મે મહિનામાં ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે 65.18 ટકા આવ્યું હતું. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવ્યું હતું, ધોરણ 12 સાયન્સનું 72 ટકા પરિણામ આવ્યું હતું.