દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોમવારે 1 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા અને સૌરાષ્ટ્રના વેરાવળમાં એક જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન તેઓ આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ‘મોટી જાહેરાત’ કરી હતી. જણાવી દઈએ કે એક અઠવાડિયામાં અરવિંદ કેજરીવાલ રાજકોટ બીજી વાર આવ્યા અને એક મહિનામાં ચોથીવાર ગુજરાત આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની તૈયારીના ભાગ રૂપે આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે સૌરાષ્ટ્રના વેરાવળમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે ‘રોજગાર પર ગેરંટી’ની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે ગુજરાતના લોકોને મફત વીજળીનું વચન આપ્યું હતું. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં રોજગાર પર 5 ગેરેંટીનું વચન આપતા કહ્યું કે જો રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો 5 વર્ષમાં તમામ બેરોજગારોને નોકરી આપવામાં આવશે. ભારત માતા કી જય અને જય સોમનાથના નારા લગાવતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.
Somnath, Gujarat | I give a guarantee of employment to the people of Gujarat. Every jobless person in state will be given a job. All those, who do not get jobs will be given Rs 3000 per month: AAP national convener & Delhi CM Arvind Kejriwal pic.twitter.com/r963jmBGb6
Advertisement— ANI (@ANI) August 1, 2022
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં યુવકો નોકરીના અભાવે આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો રાજ્યમાં AAPની સરકાર બનશે તો કોઈને આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે. કેજરીવાલે કહ્યું કે, ‘હું ગુજરાતના એક-એક બાળકને, એક-એક યુવાનોને કહેવા આવ્યો છું કે તમારો મોટો ભાઈ આવી ગયો છે. બાળકોને હવે આત્મહત્યા કરવાની જરૂર નથી. એક-એક પિતા અને માતાને કહેવા આવ્યો છું કે તમારો દીકરો આવી ગયો છે. હજુ 5 મહિના રાહ જોઈ લો, દરેકને નોકરી અપાવીશું. હું ગેરંટી આપવા આવ્યો છું. મોટી-મોટી પાર્ટીઓ ચૂંટણી પહેલા મેનિફેસ્ટો લઈને આવે છે. ચૂંટણી પછી પૂછો તો કહે છે કે
ચૂંટણીનો ખેલ હતો. અમે આવું નથી કરતા, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. એક-એક શબ્દ અમે ખૂબ જ વિચારીને બોલીએ છીએ. હું ખાતરી આપું છું કે જો 5 વર્ષમાં અમે અમારા વચનો પૂરા ન કરીએ તો આગામી વખતે અમને ધક્કો મારીને કાઢી નાખજો. હું આગલી વખતે વોટ માંગવા નહિ આવું.’
આ છે કેજરીવાલની 5 ગેરંટી
કેજરીવાલે કહ્યું કે, હું 5 ગેરંટી આપું છું. 5 વર્ષમાં દરેક બેરોજગાર યુવાનોને રોજગાર આપીશું. હું દિલ્હીમાં કરીને આવ્યો છું. છેલ્લા 5 વર્ષમાં 12 લાખ બાળકોને રોજગાર આપ્યો છે. રોજગાર આપતા આવડે છે મને. 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગાર આપીશ. ગુજરાતમાં સરકાર બનશે તો દરેક બેરોજગારોને રોજગારી આપીશું. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગાર વ્યક્તિને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળશે. ત્રીજી વાત, 10 લાખ સરકારી નોકરીઓની ભારતીઓ આવશે. તેના માટે મેં તમામ પ્લાનિંગ કરી લીધું છે. ચોથી વાત, ગુજરાતમાં તમામ પેપર લીક થઈ જાય છે, જેના કારણે બાળકો ખૂબ પરેશાન છે. અમે આ માટે કાયદો લઈને આવીશું. જે લોકો આની પાછળ છે તેમને સખતમાં સખત સજા અપાવીશું. પાછી વાત સહકારી ક્ષેત્રે નોકરીઓને પારદર્શક બનાવીશું. લાંચ અને ભલામણ દ્વારા નોકરીની પ્રથા ખતમ કરીશું.
ઝેરી દારૂ પર ભાજપ સરકાર પર વાર
અરવિંદ કેજરીવાલે ઝેરી દારૂ કાંડને લઈને ફરી એકવાર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળતા પહેલા કહ્યું, ‘ગયા અઠવાડિયે ગુજરાતમાં એક મોટી ઘટના ઘટી. ઝેરી દારૂ પીને આપણા 50 થી વધુ ભાઈઓએ જીવ ગુમાવ્યા.’ ઘટનાના બીજા દિવસે પીડિતોને મળવા ગયા હતા. તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમની સાથે વાત કરીને દુઃખ થયું. મને ખબર પડી કે કદાચ ગુજરાતના મુખ્યમંત્રીએ હજુ સુધી તેમની મુલાકાત લીધી નથી. સી.આર.પાટીલ સાહેબ પણ એ લોકોને મળવા ન ગયા. મેં ભાજપના એક વ્યક્તિને પૂછ્યું કે આવું કેમ? તો તેમણે કહ્યું કે આનાથી વોટ પર અસર નહીં થાય. દરેક બાબતમાં વોટ ન જોવાય, માનવ જીવન મહત્વપૂર્ણ છે. જ્યારે મેં તે લોકોને હોસ્પિટલમાં પૂછ્યું તો તેઓએ કહ્યું કે દરરોજ સાંજે ખુલ્લેઆમ વેચાય છે. દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. અમે દરરોજ પીએ છીએ. શહેરમાં પણ ફોન કરો તો ઘરે ડિલિવરી થાય છે. આ લોકો કહે છે કે નશાબંધી છે. મને કોઈ કહેતું હતું કે હજારો કરોડનો રૂપિયાનો ધંધો છે ગુજરાતમાં નકલી દારૂનો. કોનો ધંધો છે આ? હું તમને પૂછવા માંગુ છું કે કોણ-કોણ પોતાના બાળકને ઝેરી દારૂ આપવા માંગે છે, જે આપવા માંગે છે એમને વોટ આપી દેજો. જે બાળકો માટે રોજગાર ઈચ્છે છે એ અમને વોટ આપજો.