મહીસાગર જિલ્લાના લુણાવાડા કંકા તળાવ નજીક એસટી બસના કડંક્ટરને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે એસટી સ્ટાફમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
બસમાંથી વગર ટીકીટે મુસાફરી કરી રહેલા પોલીસકર્મીના સંબંધીને બસમાંથી ઉતારી દેવામાં આવતા આ માથાકૂટ થઈ હતી, જેમાં પોલીસકર્મીએ બસ રોકાવીને કંડક્ટરને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારની જી.એસ.આર.ટી.સીમાં મહેસાણાથી દાહોદ રૂટ પર પોતાની ફરજ બજાવતા કંડકટર અનિલભાઈ મકવાણાને લુણાવાડા પોલીસકર્મી દ્વારા કોઈ વાંક ગુનાં વગર ઢોર માર મારતા કંડકટરને લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક ઈસમ ટીકીટ વગર બસમાં સફર કરી રહ્યો હતો. જે અંગેની જાણ કંડક્ટરને થતા કંડક્ટરે બસ રોકાવીને તે ઈસમને બસમાંથી ઉતારી દીધો હતો, જેના પગલે પોલીસ કર્મચારીનાં સબંધીને વગર ટીકીટ બસમાંથી ઉતારી દેવામાં આવતા કંડકટરને પ્રમાણિકતા બાબતે માર પડ્યો હતો. આ બનાવમાં કંડક્ટરને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાના પગલે એસટી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ઉઠી છે, ત્યારે પોલીસ કર્મચારી પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઊઠી છે ત્યારે આ બાબતની યોગ્ય તપાસ થશે કે પછી સમગ્ર મામલો દબાઈ જશે તેવી લોકોમાં અટકળો વહેતી થઈ.