સારું રોકાણ હંમેશા સારું વળતર આપે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા લોકો બેંકોમાં નાણાં જમા કરવાને બદલે તેને સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, ક્રિપ્ટો વગેરેમાં રોકાણ કરી રહ્યા છે. જોકે, આ ક્ષેત્રમાં રોકાણ કરવું થોડું જોખમી છે. હા, જો આ દરમિયાન બજાર સારું પ્રદર્શન કરે તો લોકોને સારું વળતર પણ મળે છે. બીજી બાજુ એવા ઘણા લોકો છે કે જેઓ કોઈપણ જોખમ લીધા વગર તેમના નાણાંનું રોકાણ કરવા માટે અન્ય વિકલ્પો શોધે છે. આ સંબંધમાં આજે અમે તમને ભારતીય પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રોકાણ કર્યા બાદ તમે સારું વળતર મેળવી શકો છો. ભારતીય પોસ્ટની આ યોજનાનું નામ ‘ગ્રામ સુરક્ષા યોજના’ છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી તમે કોઈપણ જોખમ લીધા વગર સારું વળતર મેળવી શકો છો. ચાલો તેના વિશે જાણીએ
ગ્રામ સુરક્ષા સ્કીમને કોઈ પણ ભારતીય નાગરિક ખરીદી શકે છે. આ માટે તેમની ઉંમર 19થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજનામાં 10,000થી લઇને 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તમે પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ચૂકવી શકો છો. તમને પ્રીમિયમ ચૂકવણી માટે 30 દિવસની છૂટ મળશે.
આ પોલિસી ખરીદ્યા પછી તમે લોનનો લાભ પણ ઉઠાવી શકો છો. જોકે, પોલિસી ખરીદ્યાના 4 વર્ષ બાદ જ લોન લઈ શકાય છે. આ યોજના હેઠળ જો તમે 19 વર્ષની ઉંમરે 10 લાખ રૂપિયાની ગ્રામ સુરક્ષા યોજના ખરીદો છો, તો 55 વર્ષ સુધી તમારે દર મહિને 1515 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
જો તમે તેને 58 વર્ષ માટે ખરીદો છો, તો પ્રીમિયમની રકમ દર મહિને 1463 રૂપિયા હશે. આ સિવાય 60 વર્ષ માટે તમારે 1411 રૂપિયાનું માસિક પ્રીમિયમ ચૂકવવું પડશે. 55 વર્ષના પ્રીમિયમ પર યોજનાના ગ્રાહકોને 31.60 લાખ રૂપિયા મળશે.
તો 58 વર્ષના પ્રીમિયમ પર ગ્રાહકોને 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષ સુધીની સ્કીમ લેનારા ગ્રાહકોને 34.40 લાખનો મેચ્યોરિટી બેનિફિટ મળશે. આ યોજના તમારી વૃદ્ધાવસ્થામાં ખૂબ મદદરૂપ સાબિત થઇ શકે છે.