સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલનને સંબોધતા રાજ્યપાલે જણાવ્યુ હતું કે, ગુજરાતની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ- સામર્થ્યને દર્શાવી આપ્યું છે ત્યારે પ્રાકૃતિક કૃષિ જન આંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિનું સર્જન કરશે. રાજ્યપાલે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડૂતો સમૃધ્ધ બને અને ખેતી આત્મનિર્ભર બને તે માટે અનેકવિધ પગલાં લીધાં છે એટલું જ નહીં તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા દેશભરના ખેડૂતોને આહ્વાન કર્યુ છે.
રાજ્યપાલે સ્વતંત્રતા બાદ દેશની ખાદ્યાન્ન જરૂરીયાતની પૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા થયેલી હરિત ક્રાંતિને એ સમયની આવશ્યતા ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, ગ્લોબલ વોર્મિગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિનો ૨૪ ટકા ફાળો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ- જમીન અને પર્યાવરણ પ્રદુષિત થયા છે. જમીનની ફળદ્રુપતા દિન-પ્રતિદિન ઘટતી જાય છે જેના કારણે ખેત ઉત્પાદન પણ સતત ઘટતું રહ્યું છે. પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધતો રહ્યો અને ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. રાજ્યપાલે રાસાયણિક કૃષિના દુષ્પારિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી ઉપસ્થિત મહિલા ખેડૂતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા.
રાજ્યપાલે જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે પુરતું ઉત્પાદન મળે છે જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ સરળ છે. જેમાં દેશી ગાયના છાણ- ગૌમૂત્ર- બેસન- ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઘન જીવામૃત તૈયાર થાય છે જે ખેતી માટે પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે તેનાથી જમીનમાં સહાયકારી સૂક્ષ્મ જીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃધ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.
રાજ્યપાલે આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના પાયાના સિધ્ધાંતો બીજામૃત, જીવામૃત- ઘન જીવામૃત, વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક નાં મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, ભારતીય નસલની દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુ આવેલા છે, એટલું જ નહીં દેશી ગાયનું ગૌ- મૂત્ર ખનીજોનો ભંડાર છે. તેની મદદથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર તરીકે જમીનને પોષણ આપે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, જંગલના વૃક્ષો અને વનસ્પતિ કોઇ ખાતર કે જંતુનાશક વિના પણ પ્રાકૃતિક રીતે વિકાસ પામે છે, એ જ નિયમ ખેતરમાં અપનાવવો એ જ પ્રાકૃતિક કૃષિ છે.
રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગોનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને એકદમ અલગ ગણાવી જણાવ્યુ હતું કે, જૈવિક કૃષિમાં અળસિયાંનો ઉપયોગ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે જેના કારણે જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક ફાર્મીંગ ખેડૂતો માટે જોઇએ તેટલું ફાયદાકારક નથી જ્યારે પ્રાકૃતિક કૃષિમાં નહિવત કૃષિ ખર્ચ સામે ઉત્પાદન ઘટતું નથી એટલું જ નહીં સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નની પ્રમાણમાં વધુ કિંમત મળતા સરવાળે ખેડૂતોને ફાયદો થાય છે.
રાજ્યપાલે અળસિયાં જેવા મિત્ર જીવોને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી પ્રાકૃતિક કૃષિથી આવા જીવોની વૃધ્ધિ થતી હોવાનું જણાવ્યુ હતું. તેમણે કૃષિ અવશેષોને સળગાવવાને બદલે આવા અવશેષોથી જમીનને ઢાંકવાથી પાકને ફાયદો થાય છે તેમ પણ જણાવ્યુ હતું. આચ્છાદનથી જમીનને ઉંચા તાપમાન સામે રક્ષણ મળે છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. પાણીની ૫૦ ટકા જેટલી બચત થાય છે એટલું જ નહીં અળસિયાં જેવા મિત્રજીવોને કાર્ય કરવા વાતાવરણ પણ મળી રહે છે.
રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ જન અભિયાન સાથે ગુજરાતમાં બે લાખ ખેડૂતો જોડાયા હોવાનું જણાવી ઉપસ્થિત મહિલા ખેડુતોને દેશી ગાયનું પાલન કરવા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આગ્રહ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનના આયોજન બદલ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ કાર્યશાળામાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર. એમ. ચૌહાણે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનથી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ પર સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીના વિસ્તાર માટે આ યુનિવર્સિટીએ ૯૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. જેના ખુબ સારા પરિણામો આવનારા સમયમાં મળશે, જે આપણો વિશ્વાસ અને જુસ્સો વધારશે તેમ તેમણે જણાવ્યુ હતું.
આ પ્રસંગે રાજ્યપાલ વરદ હસ્તે સુભાષ પાલેકર પ્રેરીત પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવનાર મહિલા ખેડૂતોનું સન્માન કરાયું હતું અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાકૃતિક કૃષિકારોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુભાષ પાલેકર ખેતી જન આંદોલન સમિતિના રાજ્ય સંયોજક પ્રફુલભાઈ સેજલીયા, બનાસકાંઠા જિલ્લા સંયોજક ભીખાભાઈ ભુટકા, આત્માના સ્ટેટ ડાયરેક્ટર પી.એચ.રબારી, બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી.
રિપોર્ટઃ દેવ કાલેટ