ગુજરાત દેશમાં રોજગારી આપવામાં અવ્વલ હોવાના દાવા જાણે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધી રહી છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે હોડ જામી છે. રાજ્ય સરકાર દ્વારા તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ ઉમેદવારી નોંધાવી છે.
મહત્વનું છે કે તલાટીની 3,400 જેટલી જગ્યાઓ માટે 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. જે અત્યાર સુધીની તમામ ભરતીઓમાં વધુ છે. એટલું જ નહીં, તલાટીની ભરતીમાં ફોર્મ ભરવામાં ભૂલ વાળી 1 લાખ અરજીઓ તો રદ્દ કરી દેવામાં આવી છે. નહીં તો આ આંકડો વધી શક્યો હોત.
ગુજરાતમાં જાણે સરકારી નોકરીની હોડ જામી છે. તલાટીની નહીં કોઈપણ સરકારી નોકરીની ભરતીની જાહેરાત બહાર પડે ત્યારે લાખોની સંખ્યામાં ઉમેદવારી નોંધાતી હોય છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગારીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ 3 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જ્યારે 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે.