ગીર-સોમનાથઃ મકર સંક્રાંતિના આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. જોકે બાળકોએ હાલથી જ પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે. ઉત્તરાયણનો આ પર્વ બળકો માટે જેટલી ખુશી લાવે છે. તેટલો જ પક્ષીઓ માટે જોખમરૂપ સાબિત થાય છે. ત્યારે પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ માધ્યમ અંતર્ગત ઉતરાયણ પર્વમાં ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના સરકારી પશુ દવાખાના ખાતે વેટેનરી ડૉક્ટર સાથે સમગ્ર ટીમ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય જામવાળા ખાતે એક રેસ્ક્યું સેન્ટર પણ કાર્યરત રહેશે.
વન વિભાગના કર્મચારીઓની ટીમ પણ 10 રેન્જ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી ઘાયલ પક્ષીઓને બચાવવા તેમજ નડતરરૂપ દોરીઓને હટાવવા માટે કાર્યરત રહેશે. તેમજ જિલ્લાની તમામ રેન્જ કચેરીઓ ખાતે કંન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યાં છે. જેથી પક્ષીઓની જાણકારી લોકો તંત્ર સુધી પહોંચાડી શકે.
આ ઉપરાંત સામાજિક સંસ્થાઓના સ્વયં સેવકોની મદદ પણ કરૂણા અભિયાનમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વેરાવળ, ઉના, કોડીનાર, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાળા, પ્રાચી, આજોઠા, આલીદર, સુપાસી, ધોકડવા ખાતે પશુ દવાખાના આવેલા છે. આમ, ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ પશુ દવાખાના ઉપરાંત કંન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવાનો રહેશે.
પક્ષીઓને બચાવવા આટલું કરીએ
પક્ષીઓને બચાવવા માટે ફક્ત ઉતરાયણના દિવસે જ પંતગ ચગાવીએ, વૃક્ષો, ઈલેક્ટ્રીક અને ટેલીફોન લાઈનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીઓને જોતાં જ હેલ્પલાઈન નં.1962 પર સંપર્ક સાધી તુરંત જ સારવાર-બચાવની કામગીરી કરીએ, ઘાયલ પક્ષીઓની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પુંઠામાં રાખી બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ અને ઘરના ધાબા કે આસપારના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.
આટલું ના કરીએ…
સવારે 09 કલાક પહેલાં કે, સાંજના 05 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ, ચાઈનીઝ-સિન્થેટીક કે, કાચ પાયેલ દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ કરવાનું ટાળીએ, ઘાયલ પક્ષીઓના મુખમાં પાણી કે ભોજન ન મુકીએ અને ઘાયલ પક્ષી પર પાણી ન રડીએ…
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે ક્યાં સંપર્ક કરવો ?
ઘાયલ પક્ષીઓની બચાવવા માટે સામાજિક વનીકરણ રેન્જ, પ્રભાસ પાટણ (૦૨૮૭૬) ૨૨૨૨૯૩, સામાજિક વનીકરણ રેન્જ, કોડીનાર (૦૨૭૯૫) ૨૨૦૫૩૯, સામાજિક વનીકરણ રેન્જ, ઉના (૦૨૮૭૫) ૨૨૧૮૮૦, વેરાવળ રેન્જ (૦૨૮૭૬) ૨૨૨૨૯૨, જસાધાર રેન્જ મો.૯૪૨૭૨૬૧૪૪૨, તાલાળા રેન્જ (૦૨૮૭૭) ૨૨૨૪૫૭, બાબરીયા રેન્જ મો.૯૫૧૦૦૩૮૨૬૨, જામવાળા રેન્જ મો.૯૫૮૬૪૦૪૧૭૧, વાયરલેસ સ્ટેશન, બામણાસા-આંકોલવાડી રેન્જ (૦૨૮૭૭) ૨૩૩૯૧૨, સુત્રાપાડા રાઉન્ડ કચેરી મો. ૮૮૪૯૮૦૩૭૮૮ અને જાંખીયા થાણા મો.૮૧૬૦૪૦૬૧૫૦ પર સંપર્ક કરવાનો રહેશે.