વડોદરા : વડોદરાની ડભોઈ નગરપાલિકાના હોલ ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 31 જેટલા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ડભોઇ નગરપાલિકા હોલ ખાતે પ્રમુખ કાજલબેન દુલાણીના અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ એમ.એચ.પટેલ., કારોબારી સભ્ય વિશાલ શાહ, નાણાંપંચના ચેરમેન બીરેન શાહ સહિત વિરોધ પક્ષના સુભાષભાઈ ભોજવાની સહિત 36 સભ્યોની હાજરીમાં સામાન્ય સભા યોજાઈ હતી.
જેમાં કુલ 31 જેટલા વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા સુભાષભાઈ ભોજવાની દ્વારા જૂની જર્જરીત ટાંકીને તોડી પાડી નવી ટાંકી બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવા રજૂઆત કરી હતી.
નગરના વિકાસના કામોની સાથે આગામી પ્રિમોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખી લાગતા વળગતા કર્મચારીઓને સૂચના આપી પ્રિમોન્સૂન કામગીરી સત્વરે પુરી કરવાના નિર્ણય લેવાયા હતા. સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે કેટલાક મુદ્દે તુતુ મેં મેં ચાલ્યા બાદ એકંદરે સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.