સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આખરે આ ફિલ્મ આવતા મહિને એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. સંજય લીલા ભણસાલીએ આ અંગે જાહેરાત કરી છે.
18 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી આ ફિલ્મ
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ઘણા સમયથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટને કોરોના થઈ ગયો હતો અને તેના કારણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં પણ સમય લાગ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં ફિલ્મની રિલીઝ ડેટ 18 ફેબ્રુઆરી, 2022 નક્કી કરવામાં આવી હતી, જોકે, કોરોનાના કેસમાં વધારો થતાં આ તારીખે ફિલ્મને રિલીઝ ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
લેડી ડોનના પાત્રમાં જોવા મળશે આલિયા
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે. આલિયા ફિલ્મોમાં દમદાર પાત્રો ભજવે છે, પરંતુ તે પહેલીવાર ડોનના કિરદાર જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પણ ઘણા સમય પહેલા રિલીઝ થઈ ચૂક્યું છે. જોકે, તેનું ટ્રેલર ચાહકોને વધુ પસંદ આવ્યું ન હતું.
આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ગંગુબાઈ કાઠિયાવાડી સિવાય તે ફિલ્મ ‘RRR’માં જોવા મળશે. આ સિવાય તે રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. રણબીર અને આલિયાને પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે.