CBIની સ્પેશિયલ કોર્ટે બહુચર્ચિત ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ નિકાલજે ઉર્ફે છોટા રાજનને એક કેસમાં 38 વર્ષ બાદ છોડી મૂક્યો છે એટલે કે ગુનામુક્ત કર્યો છે. આ કેસ મુંબઈ અંડરવર્લ્ડમાં ડોન દાઉદના સૌથી મોટા દુશ્મન માનવામાં આવતા છોટા રાજનની ક્રિમિનલ લાઈફનો સૌથી પહેલો કેસ હતો, જેમાં તેની સામે વર્ષ 1983માં એક પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતા. રાજન વિરુદ્ધ આ પહેલો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
છોટના રાજનની સામે 38 વર્ષ પહેલા દારૂની હેરાફેરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. છોટા રાજનના વકીલ તુષાર ખંડારેએ જણાવ્યું કે, આ કેસ 1983માં નોંધવામાં આવ્યો હતો, જ્યારે એક ટેક્સીમાં સ્મગલિંગનો દારૂ લાવી રહેલા છોટા રાજનને તિલક નગર પોલીસ સ્ટેશનની એક ટીમે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પોલીસ ટીમમાં બે અધિકારીઓ અને ચાર કોન્સ્ટેબલ હતા, જ્યારે રાજનની સાથે કારમાં અન્ય બે સાથીદારો પણ હતા.
છોટા રાજન પર પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાનો આરોપ
જ્યારે પોલીસે ટેક્સી રોકી ત્યારે છોટા રાજને તીક્ષ્ણ હથિયાર કાઢી એક પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કર્યો. જોકે, પોલીસે છોટા રાજન અને તેના એક સાથીની ધરપકડ કરી હતી, જ્યારે એક સાથી ફરાર થઇ ગયો હતો. છોટા રાજનની સાથે પકડાયેલા તેના સાથીદારને બાદમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, જ્યારે છોટા રાજન જામીન પર કોર્ટમાંથી બહાર નીકળી ગયો હતો, પરંતુ રાજન સામે ટ્રાયલ ચાલી રહી હતી.
ઇન્ડોનેશિયાથી ધરપકડ કરાયા બાદ છોટા રાજનને ઓક્ટોબર 2015માં ભારત લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મુંબઈ પોલીસે છોટા રાજનનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો. અંતિમ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરતી વખતે સીબીઆઈએ કહ્યું હતું કે, બહુ જૂના કેસને કારણે તેઓને કોઈ સાક્ષી અને પુરાવા નથી મળી રહ્યા. સાથે જ આ હુમલામાં વપરાયેલ હથિયાર પણ ગુમ છે.
સ્પેશિયલ કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકારવાનો કર્યો હતો ઈન્કાર
મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે એજન્સીના આ ક્લોઝર રિપોર્ટને ફગાવી દેતાં કેસ બંધ કરવાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઈ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રદીપ ઘરતે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ઘટના સમયે હાજર ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ છોટા રાજનની સારી રીતે ઓળખ કરી હતી અને બચાવ પક્ષ તેને નકારી ન શકે.