Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ગઝલકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો. તેમની સાથે અન્ય કલાકારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. મનહર ઉધાસની સાથે અન્ય કલાકારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં મૌસમ મહેતા, પાયલ શાહ, મલકા મહેતાનો સમાવેશ થાય છે. આ સાથે મ્યુઝિક ડારેક્ટર મૌલિક મહેતા, સુનિલ વિસરાની, કાર્તિક દવે, યશ બારોટ અને આશિષ કૃપાલા પણ ભાજપમાં જોડાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દિવસેને દિવસે જાણીતી હસ્તીઓ ભાજપનો ખેસ ધારણ કરી રહી છે. ત્યારે આજે ગીત-ગઝલોથી સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારા મનહર ઉધાસ ભાજપમાં જોડાયા છે. આ પહેલા 17 જૂને પણ કેટલાક ગુજરાતી ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હતા.
વાત કરીએ મનહર ઉધાસ વિશે તો તેમનો જન્મ જેતપુરમાં થયો હતો. તેમનું મૂળ વતન રાજકોટ પાસેનું ચરખડી ગામ છે. તેમના બંને ભાઈઓ પંકજ ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ તેમની જ જેમ પ્રખ્યાત ગીત-સંગીતકાર છે. મનહર ઉધાસે બોલિવુડના ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે અને પ્લેબેક સિંગર તરીકે ઘણા ગીતો ગાયા છે. ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની 300થી વધુ ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. અત્યાર સુધીમાં તેમને પોતાના 60 જેટલા આલ્બમો બહાર પાડ્યા છે.
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં જાણીતા ગાયક શ્રી મનહર ઉધાસનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' https://t.co/u8TxXHZoXn
Advertisement— BJP Gujarat (@BJP4Gujarat) August 2, 2022