તા-18-01-2022 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NBARD) દ્વારા 2022-23ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન કર્યુ હતું.
નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્કસ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ સ્ટેટ ફોકસ પેપર વિમોચન વેળાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ પણ સહભાગી થયા હતા. નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ 2022-23 માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. 2.48 લાખ કરોડ દર્શાવવામાં આવી છે તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ. 1.13 લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂ. 1.09 લાખ કરોડ અને અન્ય અગ્રિમ-પ્રાયોરિટી સેક્ટર માટે રૂ. 26255 કરોડનો હિસ્સો ધરાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને આકાર આપનારા આ ડૉક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની સરાહના કરી હતી.
નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણિએ આ ડૉક્યુમેન્ટ અંગે કહ્યું કે, બેન્કસ દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બનાવે છે. આ ઉપરાંત આ ડૉક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાય છે.
આ સ્ટેટ ફોકસ પેપરના વિમોચનમાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ, નાણાં વિભાગના સચિવ (ખર્ચ) મનિષા ચંન્દ્રા, સહકાર સચિવ નલિન ઉપાધ્યાય તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના રિજીયોનલ ડિરેકટર એસ. કે. પાણિગ્રહી, એસ.એલ.બી.સી ના કન્વીનર બંસલ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.