ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 137માં સ્થાપના દિન અને સેવાદળના 99માં સ્થાપના દિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ વિશ્વનું સૌથી જૂનું રાજકીય સંગઠન છે. 1885માં અંગ્રેજો સામે લડાઈ લડવા માટે અને દેશમાં સામાજીક ન્યાયનું વાતાવરણ ઉભુ કરવા કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ. સમય જતાં વિશ્વની સૌથી મોટી આઝાદીની ચળવળ પણ કોંગ્રેસપક્ષના નેતૃત્વમાં લડાઈ. અનેક મહાનુભાવોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. કોંગ્રેસ પક્ષના પાયામાં સર્વધર્મ સમભાવ, સામાજીક ન્યાય અને વાણી સ્વાતંત્ર્યતા મુખ્ય સિધ્ધાંતો છે. રજવાડાઓનું એકત્ર કરી દેશ એક બન્યો. ખેડૂતોને ખેતરના માલિક બનાવ્યા, હરિતક્રાંતિ અને શ્વેતક્રાંતિ દ્વારા દેશમાં પ્રગતિની સિદ્ધી સાકાર કરી. કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં દેશના નાગરિકોની આર્થિક પ્રગતિ થઈ. કેન્દ્રમાં 2004થી 2014 દસ વર્ષમાં દેશના નાગરિકોને શિક્ષણનો અધિકાર, રોજગારનો અધિકાર, જંગલના જમીનનો અધિકાર, માહિતી અધિકાર અને અન્ન સુરક્ષા અધિકાર જેવા અનેક કાયદાઓ આપીને દેશમાં હક્ક અને અધિકાર આધારીત સિદ્ધી હાસલ કરી સામાન્ય નાગરિકોના જીવનમાં આમુલ પરિવર્તન લાવવા માટે કોંગ્રેસ માધ્યમ બની.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જો કે, વિશ્વભરમાં અને દેશમાં તેમજ ગુજરાતમાં ઓમિક્રોનનું સંકટ ઘેરાયું છે. આ ઉપરાંત કોરોનાએ પણ માથું ઊંચક્યું છે ત્યારે સરકાર આ વાઈબ્રન્ટ સમિટ તાકીદે રદ કરે તેવી માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોરોના અને ઓમિક્રોનના સંકટ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ તાયફો બનીને રહી ગઈ છે અને તાકીદે આ રદ કરવી જોઈએ. વિદેશથી આવનારા ડેલિગેશનને એક સપ્તાહ પહેલા આવવું પડે અને ફરજિયાત ક્વોરેન્ટાઈન રહેવું પડે તેવી સ્થિતિમાં કોઈ આવશે જ નહીં. રાજ્ય સરકાર માત્રને માત્ર તાયફા કરી રહી છે અને પોતાની પ્રસિદ્ધી માટે લોકોના જીવ જોખમમાં મુકી રહી છે. ભૂતકાળમાં પણ અનેક એમ.ઓ.યુ. થયા હતા અને તેમાં કોઈને રોજગારી મળી નથી. રાજ્યમાં હાલ કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે ત્યારે વાઈબ્રન્ટ સમિટ વચ્યુઅલી રાખવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.
રાજ્યમાં કોરોનાએ બેવડી સદી ફટકારી છે તો સાથે સાથે ઓમિક્રોન પણ જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આવા સમયે આગામી જાન્યુઆરીમાં તા. 10 થી 12 દરમિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. ગુજરાત અને ગુજરાતીઓને કોરોના મહામારીમાં બચાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે પણ કમનસીબે ભાજપ સરકાર મહામારીમાં સંક્રમણ વધે – ફેલાય તેવા કાર્યક્રમો અને ઉત્સવો કરે તે કેટલે અંશે વ્યાજબી ? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, સરકાર પોતાની પ્રસિદ્ધી માટે તાયફા કરી રહી છે અને લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે. ઓમિક્રોન અને કોરોનાએ હાકાકાર મચાવ્યો છે તેવા કપરા સમયમાં આ વાઈબ્રન્ટ સમિટ યોજવી શક્ય જ નથી પણ સરકાર માનતી નથી કાં તો વાયબ્રન્ટ રદ કરી દેવી જોઈએ અથવા તો વર્ચ્યુઅલી રાખવી જોઈએ પણ સરકાર તેમ કરતી નથી.
સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ઓમિક્રોને વિદેશમાં પણ હાહાકાર મચાવ્યો છે અને મોટાભાગના ડેલિગેશન વિદેશથી આવવાના છે ત્યારે હવે ત્યાંથી પણ કોઈ આવી શકે તેવી શક્યતાઓ નથી. વાઈબ્રન્ટમાં ભાગ લેવા માટે આવનારા ડેલિગેશનને એક સપ્તાહ પહેલાં અહીંયા આવવું પડે અને ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડે તે કોઈને પાલવે એમ નથી. આ સિવાય ડેલિગેશન પોતાના દેશમાં પરત ફરે ત્યારે પણ તેણે એક સપ્તાહ ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડે તેમ છે. આવી વિષમ સ્થિતિ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજવી શક્ય જ નથી પણ સરકાર પોતાની પ્રસિદ્ધી માટે ભૂખી છે અને જીવના જોખમે વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે મક્કમ બની છે.