રાજ્યમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ, રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ક્યાંય અત્યારે દર્દીઓ માટે જગ્યા નથી. તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત છે, લોકો આ ઇન્જેક્શન લેવા માટે લાઈનોમાં ઉભા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા એક પ્રશંસનીય નિર્ણય કરવામાં આવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકારને પત્ર લખીને પોતાના ટ્રસ્ટ અને ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બે સંકુલોને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે વિનંતી રૂપ દરખાસ્ત કરી છે.
શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરથી 5 કિલોમીટર દૂર અને ગાંધીનગરના સેક્ટર 28માં આવેલા બે સંકુલોને કોવિડ સેન્ટરમાં બદલાવા માટે સરકારને દરખાસ્ત કરી છે. આ ઉપરાંત તેઓએ આર્થિક રીતે નબળા દર્દીઓને મદદ કરવાની પણ ખાતરી આપી છે.
સોમવારે નોંધાયા 6021 નવા કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના રેકોર્ડ દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે. રાજ્યમાં સોમવારે 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. આ સમયગાળામાં 55 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 53 હજાર 516ના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 17 હજાર 981 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં રિક્વરી રેટ 89.95 ટકા થયો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 30680 એક્ટિવ કેસ છે, જેમાંથી 216 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 30464 દર્દીની હાલત સ્થિર છે.