ગીર સોમનાથ: હાલમાં જ વેરાવળમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. ત્યારે વેરાવળ સહિત સમગ્ર જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રભાસ પાટણના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ (RAF) દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં કેન્દ્રીય રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
સ્થાનિક પોલીસ સ્ટાફને સાથે રાખી રેપિડ એક્શન ફોર્સની ટીમે પ્રભાસ પાટણની શિવ ચોકીથી મેઈન બજાર અને વિસ્તારોની ફ્લેગમાર્ચ યોજી જાણકારી મેળવી હતી.
મહત્વનું છે કે, રામનવમી બાદ હનુમાન જયંતિના દિવસે પણ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વેરાવળમાં હનુમાન જયંતિએ હોબાળો થયો હતો. ધાર્મિક સ્થાન પર ધ્વજ ફરકાવવાના મામલે હોબાળો થયો હતો. હોબાળા બાદ પ્રભાસ પાટણ સોમનાથમાં રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હનુમાન જયંતિના દિવસે વિવાદિત વીડિયો વાયરલ થયા હતા જે બાદ કેન્દ્રીય રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.