કોરોનાનો નવો વેરિયન્ટ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં તો ઓમિક્રોન કોહરામ મચાવવા લાગ્યો છે. સોમવારે અહીં આ નવા વેરિયન્ટથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ છે, તો 73 ટકા કોરોના દર્દીઓ પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.
ખતરનાક વાત એ છે કે આ આંકડો માત્ર એક અઠવાડિયામાં જ આટલો ઝડપથી વધી ગયો છે. એક અઠવાડિયા પહેલા અહીં ત્રણ ટકા કોરોના દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા હતા. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું કે, અમેરિકામાં માત્ર એક સપ્તાહમાં જ ઓમિક્રોનના કેસમાં છ ગણો વધારો થયો છે.
ઘણા ભાગોમાં સંક્રમણ ઘણું વધારે
CDCનું કહેવું છે કે, અમેરિકાના ઘણા ભાગોમાં ઓમિક્રોનનું સંક્રમણ વધુ ગંભીર હોઈ શકે છે. ન્યુયોર્કમાં તો 90 ટકા નવા કેસ પાછળ ઓમિક્રોન વેરિયન્ટ જ એકમાત્ર કારણ છે. છેલ્લા એક અઠવાડિયા સુધી અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટના જ કેસ સૌથી વધારે હતા, પરંતુ હવે અહીં તેની સંખ્યા માત્ર 27 ટકા રહી છે.
બૂસ્ટર ડોઝ માટે અપીલ
અમેરિકામાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોનના કેસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને વેક્સિનના બંને ડોઝ લેવાની અપીલ કરી છે. આ ઉપરાંત દરેકને બૂસ્ટર ડોઝ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.