जन मन INDIA
slider news વાત વિપક્ષની

નવ નવ વખત બજેટ રજૂ કરનારા નાણામંત્રીએ પાછલા બારણે કરવેરા નાંખીને લોકોની કમર તોડી નાખી- પરેશ ધાનાણી

તા. ૩૦-૩-૨૦૨૧:- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, નવ નવ વખત બજેટ રજુ કરનાર નાણાં વિભાગના નાથ અને દમ દમા દમ દેવું વધારનારા દેવાદાર ગુજરાતના દમદાર નાણા મંત્રી નીતિન પટેલ દેખીતી રીતે નહીં, પરંતુ પાછલા બારણે સતત કરવેરાનું ભારણ વધારી રહ્યા છે.

વિકાસના નામે વસુલાત કરીને પ્રચાર અને ઉત્સવો પાછળ પૈસા ખર્ચીને વાહવાહી લૂંટી રહ્યા છે. કર્મચારી વિહોણી કચેરીઓમાં કાર્યકરોની ગોઠવણ કરીને લાખો શિક્ષિત બેરોજગારોની નોકરી છીનવી રહ્યા છે.

વિવિધ ક્ષેત્રે કાગળ પર વિકાસના નકશા દોરીને ફુલ ગુલાબી ચિત્ર ઉભું કરવામાં સફળ રહેલાં નાણામંત્રીના શાસનમાં વિકાસ વાંઢો રહી ગયો અને વ્યાજનું ભારણ વધી ગયું છે.

આજે રાજ્યના વેપારીઓ જીએસટીની ઝંઝટથી ત્રાસી ગયા છે અને બોગસ બિલિંગનો બહોળો વેપાર બેફામ બની ગયો છે. બિન વિવાદિત વેરાની વસુલાતમાં આળસ કરીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યાં છે.

સરકારી સેવાઓનું વેપારીકરણ કરીને લોકોને હપ્તા ભરતા કરી દીધા છે તો ખેડૂતોના હામી હોવાનો દાવો કરનારા નાણામંત્રીએ કૃષિ ઉપજ ઉપર કરવેરા વસુલાત કરીને ખેડૂતોના માથે દેવાના ડુંગર ખડકી દીધા છે.

બજેટમાં અંદાજ અને ખર્ચ વચ્ચે મોટી વિસંગતતા છે, કેન્દ્રીય યોજનામાં ભાગીદારી 75:25ના બદલે 60:40થી ગુજરાતને અન્યાયની થપ્પડ મારનારી કેન્દ્ર સરકાર સામે રાજ્ય સરકાર લાચાર બની ગઈ છે.

કામમાં કરકસર અને ભાષણમાં કરોડોના ખાતમુહૂર્ત થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર કોરોના કાળમાં શિક્ષણ ફી, આરોગ્ય, સારવાર, સસ્તું પરિવહન, વીજળી બિલમાં રાહત, સ્થાનિક કરવેરામાંથી મુક્તિ, કારીગર, કલાકાર, બેરોજગારોને ભથ્થું, ભૂખ્યાને ભોજન જેવા કામમાં લોકોને રાહત આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૨૦૦૨-૦૩માં કરની આવક રૂ. ૧૦,૮૮૪ કરોડ હતી, જે આજે રૂ. ૧,૧૧,૭૦૬ કરોડ થઈ છે. જે સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી વસુલ્યા છે.

રાજ્યમાં કુલ મહેસુલી આવક વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૧૯,૨૩૧ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧,૬૭,૯૬૮ થઈ છે. સરકારનું દેવું વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૨૪,૪૦૧ કરોડ હતું, જે ૨૦૨૦-૨૧માં રૂ. ૩,૦૦,૯૫૯ કરોડને આંબી ગયું છે.

રાજ્ય સરકાર ઉપર નાણાંકીય જવાબદારીઓ વર્ષ ૨૦૦૨-૦૩માં રૂ. ૫૫,૧૭૫ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૩,૫૫,૦૦૭ કરોડ થઈ છે. આ જવાબદારીઓ વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૪,૬૫,૦૩૭ કરોડ થવાની છે.

રાજ્યની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે પરંતુ રાજ્ય સરકાર લોકોને પાયાની જરુરિયાતની સેવા-સુવિધા આપવા સરકારી કચેરીઓમાં કર્મચારીઓમાં વધારો કરતી નથી. રાજ્ય સરકારનું વર્ષ ૨૦૦૪માં કુલ મહેકમ ૪,૬૯,૯૦૦ કર્મચારીનું હતું, જે ૨૦૨૧માં ૪,૯૧,૭૦૧નું છે.

આમ, ૨૦ વર્ષમાં મહેકમમાં ખાસ વધારો કરાયો નથી, જેનો ભોગ રાજ્યના નાગરિકો બની રહ્યા છે. સરકારે કર વધાર્યો, દેવું વધાર્યું, વ્યાજ વધાર્યું, બજેટનું કદ વધાર્યું છે ત્યારે સરકારની મિલ્કતોમાં વધારો થવો જોઈએ કે સિલક રહેવી જોઈએ, પરંતુ સરકાર નાણાકીય વ્યવસ્થાપનમાં નિષ્ફળ નીવડી છે.

Related posts

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે અપાશે રેમડેસિવિર ઈન્જેક્શન, હાઈપાવર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ravi chaudhari

Leave a Comment