વડોદરા: વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકાની પીવાની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા ભર ઉનાળે રોડ રસ્તા પર ચોમાસાના પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ભંગાણ ડભોઇ નગરપાલિકાની સોસાયટી વિસ્તારમાં કોલેજ પાસેની પીવાનું પાણી પહોંચાડવાની પાઇપ લાઈનમાં સર્જાયું હતું. જેમાં કોલેજ પ્રશાસનને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી કોલેજ રોડ ઉપર આવેલી પાઇપલાઇન લીકેજ હતી, જેનું સમારકામ અત્યાર સુધી હાથ ધરવામાં ન આ વતા આખરે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ત્યારે પાણી લીકેજ થયાની ઘટના બાદ આખરે પાલિકાની ટીમ ઘોર નિંદ્રામાં જાગી હતી અને સમારકામ હાથ ધર્યું હતું.