લોકસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પંચની સૂચનાથી રાજ્યના તમામ જિલ્લામાં ઇવીએમ અને વીવીપેટની સાચવણી માટે અલગથી વેરહાઉસ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી ભાડાના મકાનોમાં ઇવીએમ અને વીવીપેટ રાખવામાં આવતા હતા જેને કારણે લોકોમાં તેને લઇને શંકાઓ પેદા થતી હતી જેને દૂર કરવા માટે ચૂંટણી પંચ સક્રીય બન્યું છે.
ગુજરાતના 33 જિલ્લામાં પણ 101 કરોડના ખર્ચે વેરહાઉસ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાંથી 6 જિલ્લામાં વેરહાઉસ તૈયાર થઈ ચૂક્યાં છે. વેરહાઉસ બનાવવા માટે દરેક જિલ્લામાં ઈવીએમ-વીવીપેટની જરૂરિયાતના આધારે 750 ચો.મીટર, 1450 ચો.મીટર અને 2100 આમ ત્રણ કેટેગરીમાં જમીન ફાળવાઈ છે.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં ચાર વર્ષ અગાઉ ઇવીએમ અને વીવીપેટની સાચવણી માટેના વેરહાઉસ બનાવી દેવામાં આવ્યા છે જ્યારે રાજસ્થાનમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે નવા વેરહાઉસનો ઉપયોગ કરાયો હતો.
અમદાવાદમાં ઉપયોગમાં લેવાતા 22,489 ઈવીએમ અને 11,447 વીવીપેટ મશીનો રાખવા માટે મોટેરા ખાતે રાજ્યનું સૌથી મોટું વેરહાઉસ 4200 ચો.મીટરમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અમરેલી, બોટાદ મોરબી, પોરબંદર, ગીરસોમનાથ અને મહિસાગર જિલ્લાઓના હેડક્વાર્ટરમાં વેરહાઉસ ઉભા કરાયા છે. ચૂંટણી પંચ દ્ધારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમામ જિલ્લામાં ઇવીએમ અને વીવીપેટની સંખ્યાના આધારે ૭૫૦ ચોરસમીટર, ૧,૪૫૦ ચોરસમીટર અને ૨,૧૦૦ ચો.મી. એમ ત્રણ કેટેગરીમાં વેરહાઉસ માટે જમીન ફાળવી દેવામાં આવી છે.
માર્ગ-મકાન વિભાગના આર્કિટેક દ્વારા વિશિષ્ટ ડિઝાઈન તૈયાર કરાઈ છે અને પ્રત્યેક ચોરસમીટર બાંધકામ માટે રૂ.૨૦ હજારનો ભાવ નક્કી થયો છે. સૂત્રોના મતે ઇવીએમ સાથે છેડછાડની કોઇ શક્યતા ના રહે તે માટે ચૂંટણી પંચના આદેશથી સલામતીના ધોરણો ખાસ પાળવામાં આવી રહ્યા છે, જેમ કે, સીસીટીવી કેમેરા વિજિલન્સ અને ફાયર એલાર્મ સિસ્ટમ ધરાવતા રૂમોને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત પ્રત્યેક રૂમમાં એક દરવાજો અને ડબલ લોક સિસ્ટમમાં એક ચાવી કલેક્ટર પાસે અને બીજી ચાવી નાયબ કલેક્ટર કક્ષાના અધિકારી પાસે રહેશે. તે સિવાય સશસ્ત્ર પોલીસ ચોવીસ કલાક તેની સુરક્ષા કરશે.