ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 26 જુલાઈ સુધીમાં 3.4 કરોડ લોકોએ ઈન્ક્મટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરી દીધું છે. ડિપાર્ટમેન્ટ તરફથી ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 નક્કી કરવામાં આવી છે. 15 જૂન, 2022 થી શરૂ થયેલી ITR ફાઇલિંગની પ્રક્રિયા હજુ વધુ બે દિવસ (31 જુલાઈ સુધી) ચાલુ રહેશે. જો કે, ઈન્ક્મટેક્સના એક નિયમ અંતર્ગત, જો તમે 31 જુલાઈ પછી પણ ITR ફાઇલ કરો છો તો પણ તમારે દંડ ચૂકવવો પડશે નહીં. ચાલો તમને જણાવી દઈએ શું છે આ નિયમ?
ઈ-ફાઇલિંગને લગતી વેબસાઈટ પડી ધીમી!
જે લોકો 31 જુલાઈ પહેલા ITR ફાઇલ કરવાની કોશિશ કરી રહ્યા છે, એમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ઈ-ફાઇલિંગ સંબંધિત વેબસાઇટ ધીમી પડી ગઈ છે. બીજી તરફ ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ભરનારાઓને જાગૃત કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોઈપણ પ્રકારના દંડથી બચવા માટે સમયસર ITR ફાઇલ કરો. પરંતુ કેટલાક કિસ્સાઓમાં છેલ્લી તારીખ પછી પણ દંડ ભર્યા વિના ITR ફાઇલ કરી શકાય છે.
છૂટની મર્યાદા કરતા ઓછી આવક પર મળશે રાહત
ઈન્ક્મટેક્સના જાણકારો કહે છે કે ઈન્ક્મટેક્સની કલમ 234F હેઠળ, જો કોઈ વ્યક્તિની નાણાકીય વર્ષમાં કુલ આવક મૂળભૂત છૂટની મર્યાદાથી વધુ ન હોય, તો એમને મોડું ITR ફાઇલ કરવાથી કોઈ ફરક નથી પડતો. સરળ ભાષામાં જો કહીએ તો, જો નાણાકીય વર્ષ 2021-22 સુધી તમારી કુલ આવક 2.5 લાખ અથવા તેનાથી ઓછી હોય, તો તમારે 31 જુલાઈ પછી ઈન્ક્મટેક્સ ભરવા માટે કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. તમારા દ્વારા ફાઇલ કરવામાં આવનાર ITRને ઝીરો (0) ITR કહેવામાં આવશે.
ઉંમર અને વાર્ષિક આવક પર છૂટ
આવી જ રીતે, જો કોઈ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે, તો 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ છૂટ 2.5 લાખ રૂપિયા છે. સાથે જ 60 વર્ષથી 80 વર્ષની વચ્ચેની ઉંમરના લોકોની 3 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે. આવી જ રીતે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મૂળભૂત છૂટ મર્યાદા 5 લાખ છે.