રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ ડુંગર પર બિરાજમાન ટપકેશ્વર મહાદેવ મંદિરે બે વર્ષ કોરોના બાદ ભક્તોની ભારે ભીડ જોવા મળી.
પવિત્ર શ્રાવણ માસ એટલે શિવજીને પ્રિય માસ. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલું મહાભારત કાળનું પૌરાણિક મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર. બારેય માસ દરમિયાન અવિરત પણે જળ ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે, પ્રકૃતિની ગોદમાં આવેલું સુંદર આહલાદક અદભુત મંદિર એટલે ટપકેશ્વર.
શ્રાવણ મહિનાની શરૂઆત થતા અને આજે પહેલો સોમવાર હોવાથી પાટણવાવ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણ મહિનાને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજરોજ ધોરાજી તાલુકાના પાટણવાવ પર્વત આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા, ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પાટણવાવ ખાતે આવેલ ઐતિહાસિક મંદિરમાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તો દ્વારા ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ધોરાજી ઉપલેટા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ભક્તો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી.
રિપોર્ટઃ અલ્પેશ ત્રિવેદી, ધોરાજી