જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે, જ્યારે સોપોરમાં ચાલી રહેલી અથડામણમાં પણ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.
મળતી માહિતી મુજબ કુપવાડામાં મંગળવારે સવારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, તેમને કુપવાડાના ચકતારસ કાંડીમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી બાદ સેના અને પોલીસની સંયુક્ત ટીમે ઘેરાબંધી શરૂ કરી હતી. પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
આતંકવાદીઓના ગોળીબારનો સુરક્ષા દળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, અથડામણમાં લશ્કરના એક આતંકવાદી સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા એક આતંકીની ઓળખ તુફૈલ તરીકે થઈ છે, તે પાકિસ્તાનનો રહેવાસી હતો. માર્યા ગયેલા બીજા આતંકવાદીની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
બીજી તરફ સોમવારે સાંજે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. જોકે, અંધારાનો લાભ લઈને બે પાકિસ્તાની અને એક સ્થાનિક સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક એકે 47 રાઈફલ, પાંચ મેગેઝીન અને અન્ય હથિયારો મળી આવ્યા હતા.