આગામી ચૂંટણીને લઈને ભાજપની રણનીતિ નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુપીના સાંસદો સાથે બેઠક યોજાઈ હતી. મળતી માહિતી મુજબ, પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના 40 સાંસદો સાથે વાતચીત કરી હતી.
આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ હાજર રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી ઉત્તરાખંડના સાંસદો સાથે પણ બેઠક કરશે.
યુપીમાં થોડા દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં ભાજપે પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. PM નરેન્દ્ર મોદીએ પણ વિધાનસભા ચૂંટણી માટે મોરચો સંભાળ્યો છે. પીએમ મોદી પણ સતત યુપીનો પ્રવાસ કરી રહ્યા છે. આ સંબંધમાં પીએમ મોદીએ આજે યુપીના બીજેપી સાંસદો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડાપ્રધાને કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ ભાજપના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી. જણાવી દઈએ કે, આ બંને રાજ્યોમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
2017માં ભાજપે જીતી હતી 312 સીટો
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 312 બેઠકો જીતી હતી. તો સપાએ 47, બસપાએ 19 બેઠકો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસનો માત્ર સાત બેઠકો પર વિજય થયો હતો.