રાજ્યના ખેડૂતોને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને મોબાઈલ ખરીદીમાં અપાતી સહાયને લઈ મહત્વની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને મોબાઈલ ખરીદી માટે મળતી સહાયમાં વધારો કરાયો છે.
મંત્રીએ જણાવ્યું કે, હવેથી ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40 ટકા સહાય આપવામાં આવશે. એટલે ઓછામાં ઓછી 6 હજાર જેટલી સહાય આપવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે સામાન્ય ડૉક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના અપાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે, સરકારની નવી જાહેરાત અગાઉ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર માત્ર 10 ટકા જ સહાય મળતી હતી. એટલે કે જો ખેડૂત 10 હજારની કિંમતનો મોબાઈલ લે તો તેને માત્ર 1 હજાર રૂપિયા જ સહાય મળતી હતી.
લાભાર્થીએ અરજી કરવાની રીત
આ યોજના અંતર્ગત ખેડૂતો I-Khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન કરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રીન્ટ આઉન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
લાભાર્થી પાત્રતા
આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8-અમાં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે.