જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે અહીંની એક કોર્ટમાં નેશનલ કોન્ફરન્સ (NC) ના પ્રમુખ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે. વિશેષ અદાલતે ફારુક અને અન્ય આરોપીઓને 27 ઓગસ્ટે સમન્સ પાઠવ્યા છે.
EDએ દાવો કર્યો હતો કે તેની અત્યાર સુધીની તપાસમાં એ ‘વાત બહાર આવી છે કે અહેસાન અહેમદ મિર્ઝાએ અન્ય આરોપીઓ સલીમ ખાન (ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી), મીર મંજૂર ગઝનફર, ગુલઝાર અહેમદ (ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ JKCA), બશીર અહેમદ મિસગર (JK બેંક એક્ઝિક્યુટિવ) અને ડૉ. ફારૂક અબ્દુલ્લા સાથેની મિલીભગતથી રૂ. 51.90 કરોડ જેકેસીએ ફંડનો દુરુપયોગ કર્યો હતો અને પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક લેવડ-દેવડ માટે ગુનાની આવકનો ઉપયોગ કર્યો હતો.’
EDએ આ જ કેસમાં 31 મેના રોજ ફારુક અબ્દુલ્લાની ત્રણ કલાક પૂછપરછ કરી હતી. CBI અને ED JKCAમાં વર્ષ 2004 અને 2009 વચ્ચેના સમયગાળામાં થયેલ મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. ફારુક અબ્દુલ્લા 2001 થી 2012 સુધી JKCA ના પ્રમુખ હતા. અત્યાર સુધીની તપાસમાં ED દ્વારા ફારુક અબ્દુલ્લાની 11.86 કરોડની અચલ સંપત્તિ સહિત કુલ 21 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
ED અનુસાર, મિર્ઝાએ JKCAના પૈસા ઉઠાવીને પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લાને સોંપ્યા હતા. મિર્ઝાએ પોતાના ઘરે જ JKCAના એકાઉન્ટ્સ તૈયાર કર્યા અને JKCAના ઓડિટર અને એક્ઝિક્યુટિવ કમિટી પાસેથી લેવડ-દેવડના રેકોર્ડ છુપાવ્યા.
શ્રીનગરના રામબાગ મુનશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે EDએ તપાસ શરૂ કરી હતી. બાદમાં હાઈકોર્ટના નિર્દેશ પર આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.